- પેગાસસને લઈને સતત બીજા દિવસે રાજ્યસભામાં હોબાળો થયો હતો
- વડાપ્રધાન મોદીએ સંસદના મોનસૂન સત્રમાં થયેલા હોબાળા અંગે ચિંતા વ્યક્ત કરી હતી
- વડાપ્રધાને કહ્યું વિરોધી પક્ષે ચર્ચામાં ભાગ લેવો જોઈએ
નવી દિલ્હી:ઇઝરાઇલી સ્પાઇવેયર પેગાસસને લઈને સતત બીજા દિવસે રાજ્યસભામાં હોબાળો થયો હતો. વડાપ્રધાન મોદીએ સંસદના ચોમાસા સત્રમાં થયેલા હોબાળા અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિપક્ષના વલણ પર ભારે ચિંતા વ્યક્ત કરતાં વડાપ્રધાને ભાજપ સંસદીય પાર્ટીની બેઠકમાં કહ્યું કે, ગૃહમાં અર્થપૂર્ણ ચર્ચા થવી જોઈએ. વડાપ્રધાને કહ્યું છે કે, આ માટે વિરોધી પક્ષોએ ચર્ચામાં ભાગ લેવો જોઈએ.
નિયમ 267 હેઠળ ઘણી નોટિસ આવી છે
દરમિયાન, આજે એક રસપ્રદ ઘટનામાં કોંગ્રેસના નેતા આનંદ શર્માએ રાજ્યસભાના નિયમ 267નો ઉલ્લેખ કરતાં કહ્યું કે, જ્યાં સુધી આ નિયમ અસ્તિત્વમાં છે ત્યાં સુધી રાષ્ટ્રિય મહત્વ અને દેશની સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓની રાજ્યસભામાં ચર્ચા થવી જોઈએ. આ અંગે અધ્યક્ષ વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે, નિયમ 267 હેઠળ તેમની પાસે ઘણી નોટિસ આવી છે. આવી સ્થિતિમાં રાજ્યસભામાં કયા મુદ્દે ચર્ચા થશે, તે અધ્યક્ષ દ્વારા નિર્ણય લેવામાં આવશે.