નવી દિલ્હીઃલોકસભા ચૂંટણી 2024માં (Lok Sabha Election 2024) રોબર્ટ વાડ્રા (Robert Vadra in Politics) મુરાદાબાદ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી શકે છે. જો કે તે કઇ પાર્ટીમાંથી ચૂંટણી લડશે તે હજુ નક્કી નથી પરંતુ તેણે સંકેત આપી દીધો છે. રાજનીતિમાં જોડાવાની ચર્ચાઓ વચ્ચે ETV ઈન્ડિયાને આપેલા એક વિશિષ્ટ ઈન્ટરવ્યુમાં રોબર્ટ વાડ્રાએ કહ્યું કે, તેઓ તેમના પરિવાર સાથે ચર્ચા કર્યા પછી જ અંતિમ નિર્ણય લેશે. જો કે, તેમને રાજકારણમાં જોડાવા અને મુરાદાબાદનું પ્રતિનિધિત્વ કરવા વિનંતીઓ મળી છે.
ભાજપ કે અન્ય કોઈ પાર્ટી સામે લડવાનો એકમાત્ર રસ્તો રાજનીતિ છે : રોબર્ટ વાડ્રા
રોબર્ટ વાડ્રાએ કહ્યું કે, ભાજપ કે અન્ય કોઈ પાર્ટી સામે લડવાનો એકમાત્ર રસ્તો રાજનીતિ છે, કારણ કે તેઓ અમારા પર આરોપો લગાવતા રહે છે. વાડ્રાએ કહ્યું કે મેં હજુ સુધી આ નક્કી નથી કર્યું પરંતુ હા, મુરાદાબાદમાં મારો ફેમિલી બિઝનેસ છે. મારા પૂર્વજો ત્યાંના હતા અને મારું સામાજિક કાર્ય પણ ત્યાં જ છે. એટલા માટે હું ઈચ્છું છું કે હું મુરાદાબાદનું પ્રતિનિધિત્વ કરું. બીજી ઘણી પાર્ટીઓએ મને ઓફર આપી છે પરંતુ મારું ધ્યાન કોંગ્રેસ પર છે. તેથી મેં હજી નક્કી કર્યું નથી. પરંતુ મને લાગે છે કે હું ટૂંક સમયમાં તેના પર નિર્ણય લઈશ.
આ પણ વાંચો:લખનૌની શેરીઓમાં માતૃશક્તિ છલકાઈ, ઉજવણીમાં જોડાઈ પ્રિયંકા
મારા પરના આરોપો ખોટા છે
રોબર્ટ વાડ્રાએ પોતાના પર લાગેલા આરોપો વિશે કહ્યું કે, છેલ્લા 10 વર્ષથી મેં જોયું છે કે માત્ર ભાજપ જ નહીં, પરંતુ આમ આદમી પાર્ટી જેવી કેટલીક પાર્ટીઓ પણ અફવા ફેલાવી રહી છે. તેઓ મારા પર જે પણ આરોપો લગાવી રહ્યા છે તે તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. લગભગ દર મહિને તેઓ અમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મોકલે છે. જો કે, આ તેમનો રસ્તો છે અને જ્યારે તેમની સરકારો મુશ્કેલીમાં હોય ત્યારે તેઓ આ બધું કરે છે. હું ગાંધી પરિવારનો છું, મારો પોતાનો ધંધો છે, તેથી તેઓ કંઈક ને કંઈક શોધતા રહે છે, જે ખોટી પરંપરા છે.
રોબર્ટ વાડ્રા સંસદમાં આરોપોનો જવાબ આપશે
રાજનીતિમાં જોડાવાની શક્યતા અંગે વાડ્રાએ કહ્યું કે, મેં આ આરોપો સામે લડવા માટે કાયદાકીય પદ્ધતિઓ અપનાવી છે, પરંતુ હું માનું છું કે તેઓ મારા બિઝનેસમેન હોવા અને રાજકીય પરિવારનો ભાગ હોવા વચ્ચે ભેદ રાખતા નથી. જો મારે તેમની સામે લડવું હોય તો મારે સંસદમાં જવું પડશે. ત્યાં હું તેમના આરોપોનો જવાબ આપી શકીશ અને તેમની સામે લડીશ. રાજકારણમાં રહેવા ઉપરાંત હું મારા સામાજિક કાર્યો મોટા પાયે કરી શકીશ. મને લાગે છે કે આ મારું લક્ષ્ય છે.
આ પણ વાંચો:મુખ્યપ્રધાન યોગી પર પ્રિયંકાનો હુમલો, કહ્યું- યોગી યુવાનોની હતાશા પર નહીં બોલે
પ્રિયંકાના પ્રયાસોની પ્રશંસા
તેમણે યુપી વિધાનસભા ચૂંટણી 2022માં (UP Assembly Election 2022) મહિલા ઉમેદવારોને પ્રાધાન્ય આપવાના પ્રિયંકા ગાંધીના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ સિવાય વાડ્રાએ હાલમાં જ યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવાની પ્રક્રિયા માટે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ત્યાંના લોકો પરેશાન છે. તેણે એમ પણ કહ્યું કે, તમામ રાજકીય પક્ષોને વિશ્વાસમાં રાખવાની અને વર્તમાન પરિસ્થિતિ વિશે તેમને માહિતગાર કરવાની જવાબદારી સરકારની છે.