સતારાઃ રવિવારે રાત્રે સોશિયલ મીડિયામાં કરાયેલી એક પોસ્ટને લીધે મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં બે જૂથો વચ્ચે ટકરાવ થયો હતો. જેમાં એક નાગરિકનું મૃત્યુ અને એકને ઈજા થઈ હતી. સ્થાનિક તંત્ર દ્વારા સતારા જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. સૂત્રો અનુસાર સતારાના પુસેસાવલી ગામે હુલ્લડ ફાટી નીકળ્યું હતું. જેમાં વાહનોને આગચંપી કરાઈ, દુકાનો અને ધાર્મિક સ્થળોમાં તોડફોડ કરવામાં આવી.
Satara Riots News: સતારામાં સોશિયલ મીડિયાની ભડકાઉ પોસ્ટથી હુલ્લડ ફાટી નીકળ્યું, સમગ્ર જિલ્લાની ઈન્ટરનેટ સેવાઓ બંધ કરાઈ - સતારામાં ઈન્ટરનેટ સેવાઓ બંધ
સતારાના પુસેસાવલી ગામમાં એક સોશિયલ મીડિયા પોસ્ટથી હુલ્લડો ફાટી નીકળ્યા છે. તોફાનીઓના એક ટોળાએ વાહનો સળગાવ્યા, દુકાનો તેમજ ધાર્મિક સ્થળોમાં તોડફોડ કરી. વાંચો એક સોશિયલ મીડિયા પોસ્ટને પરિણામે થયેલ તોફાનો અને હુલ્લડો વિશે.
Published : Sep 11, 2023, 1:46 PM IST
સતારા જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ બંધઃ આ સમગ્ર ઘટનાને પરિણામે સોમવાર સવારથી સતારા જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. હુલ્લડો તેમજ તોફાનોને કાબુમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં થયેલી એક પોસ્ટને પરિણામે પુસેસાવલી ગામનું શાંતિમય વાતાવરણ ડહોળાયું છે. પોલીસ અને ફાયર ડીપાર્ટમેન્ટના જવાનોએ ભારે જહેમત બાદ સમગ્ર વિસ્તારમાં થયેલા આગચંપીના બનાવો પર કાબુ મેળવ્યો છે. દુકાનોમાં તોડફોડ કરનારા ટોળામાં કોણ કોણ સામેલ છે તેની તપાસ પોલીસ કરી રહી છે. પોલીસ અત્યારે ફૂલ એકશન મોડમાં કાર્યરત છે.
સાંસદે કરી શાંતિ અપીલઃ મૃતક નૂર હસન શિકલગર એક ધાર્મિક સ્થળનો કેરટેકર હતો. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સતારા સરકારી હોસ્પિટલે લવાયો છે. બીજા એક ગંભીર ઈજાગ્રસ્ત નાગરિકને હોસ્પિટલમાં સઘન સારવાર અપાઈ રહી છે. સોમવાર સવારે સાંસદ ઉદયનરાજે ભોંસલે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે શાંતિ માટે અપીલ પણ કરી છે. તેમણે બંને ધર્મના લોકો સાથે વાતચીત કરી છે. ઓંધ પોલીસ સ્ટેશનમાં કોમી હુલ્લડનો કેસ દાખલ કરાયો છે. અત્યારે પુસેસાવલી ગામમાં સ્થિતિ કાબૂમાં છે.