- 'સામના' દ્વારા શિવસેનાએ બદલો લેવાની કરી માંગ
- સેનાના 5 જવાનોના મોતનો બદલો લેતા 25 આતંકવાદીઓને મારો
- આતંકવાદી હુમલામાં JCO સહિત 5 સૈનિકો થયા હતા શહીદ
મુંબઈ: શિવસેના (Shiv Sena)એ પોતાના મુખપત્ર સામના (Saamana)માં કહ્યું કે, કલમ 370ની મોટાભાગની જોગવાઈઓ ખતમ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન (Pakistan)થી સહાનુભૂતિ રાખનારાઓની હિંમત વધી ગઈ છે. સંવિધાનની કલમ 370 (Article 370) અંતર્ગત જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો હતો, જે હવે ખતમ થઈ ગયો છે.
શું 1990ના દાયકા જેવી સ્થિતિ બની રહી છે?
તાજેતરના અઠવાડિયામાં આતંકવાદી હુમલા ઘણા વધી ગયા છે, જેમાં એક કાશ્મીરી પંડિત વેપારી અને 2 સ્કૂલ શિક્ષક સહિત અનેક નાગરિકો માર્યા ગયા. આ હત્યાઓનો ઉલ્લેખ કરતા શિવસેનાએ કહ્યું કે, આ પ્રકારની હિંસક ઘટનાઓ એ વાતનો અહેસાસ કરાવે છે કે શું 1990ના દાયકા જેવી સ્થિતિ બની રહી છે, જ્યારે હજારો કાશ્મીરી પંડિતો ઘાટી છોડવા માટે મજબૂર બન્યા હતા.
બદલો નહીં લેવાય ત્યાં સુધી ભારતીયોના મનને શાંતિ નહીં મળે
શિવસેનાએ સામાનાના સંપાદકીયમાં કહ્યું કે, ભારતીયોના મનને ત્યાં સુધી શાંતિ નહીં મળે જ્યાં સુધી 5 જવાનોને મારનારા આતંકવાદીઓને ઠાર કરવામાં ન આવે. સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે સુરનકોટ અથડામણમાં માર્યા ગયેલા જવાનોના મોતનો બદલો તાત્કાલિક લેવામાં આવવો જોઇએ અને 5ના બદલે 25 આતંકવાદીઓને મારવા જોઇએ.