- ગત 7મી ફેબ્રુઆરીનાં રોજ જોશીમઠ ખાતે સર્જાઈ હતી દુર્ઘટના
- ગુમ થયેલા 200થી વધુ લોકો પૈકી 62 લોકોનાં મૃતદેહ મળી આવ્યા
- પોલીસ, સૈન્ય તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો કરી રહી છે તપાસ
ચમોલી: ગત 7 ફેબ્રુઆરીના રોજ ઉત્તરાખંડના ચમોલી ખાતે જળપ્રલય સર્જાયો હતો. જેના 13મા દિવસે આજે એટલે કે શુક્રવારે આર્મી, SDRF, NDRF સહિત અનેક એજન્સીઓ તપોવન ટનલમાં રેસક્યૂ ઓપરેશન હાથ ધરી રહી છે. અત્યાર સુધી કુલ 61 લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે 143 લોકો હજુ પણ લાપતા છે.
દુર્ઘટનામાં ઋષિગંગા પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે નાશ પામ્યો
તપોવન પાવર જંકશન અંગે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું કે, આ પાવર જંકશન હજુ શરૂ કરાયું નથી અને ઋષિગંગા પ્રોજેક્ટ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. તેને લઈને હવે ભવિષ્યમાં વિચારવામાં આવશે. ઋષિગંગા પ્રોજેક્ટને તૈયાર થવા માટે એક દાયકાથી વધુ સમય લાગ્યો હતો. આપત્તિએ ગણતરીની મિનીટોમાં બધી મહેનત પર પાણી ફેરવી દીધુ હતું. આ સિવાય મુખ્યપ્રધાન રાવત આપત્તિમાં ઈજાગ્રસ્ત લોકોના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલમાં ગયા હતા અને તમામ શક્ય સહાયની ખાતરી પણ આપી હતી.