નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની સૌથી મોટી ચલણી નોટ પર મોટો નિર્ણય લીધો છે. રિઝર્વ બેંક અનુસાર 2000 રૂપિયાની નોટ કાનૂની ટેન્ડર રહેશે, પરંતુ તેને ચલણમાંથી બહાર કાઢવામાં આવશે. ભારતીય રિઝર્વ બેંકે દેશની બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટ જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. રિઝર્વ બેંકે આ નિર્ણય 'ક્લીન નોટ પોલિસી' હેઠળ લીધો છે. વર્ષ 2016માં રિઝર્વ બેંકના નોટબંધી બાદ રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી.
સપ્ટેમ્બર સુધી 2000ની નોટ માન્ય:હાલ બજારમાં બે હજારની નોટ ચાલુ રહેશે. 2000 રૂપિયાની નોટ 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં જમા કરાવી શકાશે. 4 મહિનાની અંદર નોટો બેંકમાં જમા કરાવી શકાશે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટો જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. આરબીઆઈએ કહ્યું કે 30 સપ્ટેમ્બર સુધી આ નોટો માન્ય ચલણ (સર્ક્યુલેશન)માં રહેશે. એટલે કે જેમની પાસે હાલમાં 2000ની નોટો છે તેમણે તેને બેન્કમાંથી એક્સચેન્જ કરાવવી પડશે.
એકવારમાં 20 હજાર સુધીની નોટો બદલી શકાશે:'ક્લીન નોટ પોલિસી' અંતર્ગત રિઝર્વ બેંકે આ નિર્ણય લીધો છે. એકવારમાં 20 હજાર સુધીની નોટો બદલી શકાશે. 2 હજારની નવી નોટ હવે આરબીઆઈ નહી છાપે. 2016માં થયેલી નોટબંધી પછી રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી બજારમાં 2000 રૂપિયાની નોટો ઓછી દેખાતી હતી. લોકોએ કહ્યું કે એટીએમમાંથી 2000 રૂપિયાની નોટ પણ બહાર નથી આવી રહી. આ અંગે સરકારે સંસદમાં માહિતી પણ આપી હતી.
- નોટબંધી એક આપત્તિ હતી, જેણે દેશની અર્થવ્યવ્સ્થાને નષ્ટ કરી :પ્રિયંકા ગાંધી
- નોટબંધી બાદ 50 લાખ નોકરી ગાયબ, યુવાનો સૌથી વધુ પ્રભાવિત
ત્રણ વર્ષથી નોટ છાપવાનું બંધ:રિઝર્વ બેંકે તેના વાર્ષિક અહેવાલમાં 2000 રૂપિયાની નોટ વિશે ઘણી માહિતી આપી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના વાર્ષિક અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2019-20, નાણાકીય વર્ષ 2020-21 અને નાણાકીય વર્ષ 2021-22માં 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી. જેના કારણે બજારમાં 2000 રૂપિયાની નોટોનું ચલણ ઘટી ગયું છે.
2016માં થઈ હતી નોટબંધી:8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ 500 અને 1000 રૂપિયાની તમામ નોટો ચલણમાંથી બહાર થઈ ગઈ હતી. આ કરન્સીની જગ્યાએ રિઝર્વ બેંક દ્વારા 500 અને 2000 રૂપિયાની નવી નોટો જારી કરવામાં આવી હતી. રિઝર્વ બેંકનું માનવું હતું કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર મુકાયેલી નોટોના મૂલ્યની સરળતાથી ભરપાઈ કરશે.