નવી દિલ્હી: ભારતીય બેંકોએ અદાણી ગ્રુપની કંપનીઓમાં કેટલા પૈસા રોક્યા છે તેની માહિતી કેન્દ્રીય બેંક RBI એ એકત્ર કરી રહી છે. RBI એ અદાણી ગ્રુપને આપવામાં આવેલી લોનની વર્તમાન સ્થિતિ શું છે તેને લઈને દરેક બેન્કને પૂછવામાં આવ્યું છે. આ બાબતે RBI ની કેટલીક મોટી બેંકો સાથે વાતચીત શરૂ થઈ ગઈ છે અને હવે RBI અન્ય બેંકો સાથે પણ આ અંગે ચર્ચા કરશે. હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ બહાર આવ્યા બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેર ઝડપથી ગગડી રહ્યા છે અને અદાણી એન્ટરપ્રાઇઝની રૂ. 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO)ને પણ કંપનીએ ફગાવી દીધી છે.
RBI એલર્ટ:રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ સૂઈસ દ્વારા તેમના ખાનગી બેંકિંગ ગ્રાહકોને માર્જિન લોન માટે ગીરો-કોલેટરલ તરીકે અદાણી ગ્રુપ કંપનીઓના બોન્ડસ સ્વિકારવાનું બંધ કરી દેતાં અને સિટી ગ્રુપના વેલ્થ એકમે પણ તેમના ગ્રાહકોને માર્જિન લોન માટે અદાણી ગ્રુપ કંપનીઓની સિક્યુરિટીઝ નહીં સ્વિકારવાનો નિર્ણય લેતાં આખરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હરકતમાં આવીને દરમિયાનગીરી કરવાની ફરજ પડી હોવાનું બેંકિંગ સૂત્રો જણાવે છે.
અદાણી ગ્રુપને આપવામાં આવેલી લોન: અદાણી ગ્રુપની કંપનીઓ પર ભારતીય બેંકોએ ઘણી લોન આપી છે. મળેલી માહિતી અનુસાર પંજાબ નેશનલ બેંકે તેને 7 હજાર કરોડ રૂપિયાની લોન આપી છે. સાથે જ ઇન્ડસઇન્ડ બેંકે પણ તેને લોન આપી છે. બેંક લોનમાં ટર્મ લોન, કાર્યકારી મૂડી અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે. તે જ સમયે, 37 ટકા દેવું બોન્ડ્સ/કોમર્શિયલ પેપર્સમાં, 11 ટકા લોન નાણાકીય સંસ્થાઓ પાસેથી અને બાકીના 12-13 ટકા આંતર-જૂથ ધિરાણ એટલે કે જૂથ કંપનીઓ વચ્ચે લોન ટ્રાન્ઝેક્શનનો સમાવેશ થાય છે.
FPO પાછો ખેંચ્યો:શુક્રવારે અદાણીના FPO પાછો ખેંચવાના નિર્ણયથી ગ્રૂપ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. એફપીઓ પાછો ખેંચવાના નિર્ણય અંગે કંપનીએ જણાવ્યું હતું કે બજારમાં અસ્થિરતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનો છે. અદાણી ગ્રુપ એફપીઓના સમગ્ર નાણાં પરત કરવા જઈ રહ્યું છે.