ઉત્તર પ્રદેશ :કન્નૌજમાં સાડા 5 વર્ષ પહેલા એક બેવડા પિતાએ નશાની હાલતમાં તેની 11 વર્ષની પુત્રી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત પોતાને બચાવવા માટે આરોપીએ પોતાના જ સગા ભાઈ પર બળાત્કારનો આરોપ લગાવતા કેસ દાખલ કર્યો હતો. પોલીસ તપાસ દરમિયાન પીડિત બાળકીએ જણાવ્યું કે, તેના પિતાએ આ દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ મોકલી દીધો હતો. ગુરુવારે કન્નૌજ પોક્સો કોર્ટે આરોપી પિતાને દોષિત ઠેરવીને બેવડી આજીવન કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
શું હતો મામલો ?આ ઘટના 20 એપ્રિલ 2018 ની છે. કન્નૌજ જિલ્લાના વિષ્ણુગણ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો એક વ્યક્તિ નશાની હાલતમાં પોતાના ઘરે પહોંચ્યો હતો. આ વ્યક્તિએ પોતાની જ 11 વર્ષની દીકરી પર ઘરમાં બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ આરોપી પિતાએ પોતાના સગા નાના ભાઈ પર બળાત્કારનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું કે, 15 એપ્રિલે તે વોરંટ પર જેલમાં ગયો હતો. 20 એપ્રિલે જ્યારે તે જેલમાંથી છૂટીને ઘરે પરત આવ્યો ત્યારે પુત્રીએ જણાવ્યું કે, તેના કાકાએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
પીડિત બાળકીએ કર્યો ખુલાસો :પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જ્યારે પોલીસે પીડિત બાળકીનું નિવેદન નોંધ્યું ત્યારે ચોંકાવનારું સત્ય સામે આવ્યું હતું. પીડિત બાળકીએ પોતાના નિવેદનમાં તેના પિતા પર ગંભીર આરોપ લગાવતા પોલીસને જણાવ્યું કે, તેના પિતાએ જ તેની સાથે બળાત્કાર કર્યો હતો. તેમજ તેના કાકાનું નામ પોલીસ સમક્ષ જાહેર કરવા તેના પર દબાણ કરવામાં આવ્યું હતું. આ પહેલા પણ તેના પિતાએ ખેતરમાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.