અયોધ્યાઃ રામનગરી અયોધ્યામાં ઉત્સાહ અને ઉત્સવનો માહોલ છવાયેલો છે. નવનિર્મિત રામ મંદિરમાં 22મી જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ સમગ્ર રામ મંદિર શોભાયમાન બનતું જાય છે. પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવા તા. 16થી 22મી જાન્યુઆરી સુધી ચાલશે. આ પહેલા મંદિર નિર્માણનું મોટાભાગનું કામ પૂરુ કરી લેવામાં આવશે. મંદિર નિર્માણ કરતી એલ એન્ડ ટી કંપની નવેમ્બરમાં મુખ્ય દ્વારનું કામ પૂરુ કરી લેશે. તેમજ 15 ડિસેમ્બર સુધી ગ્રાઉન્ડ ફ્લોરનું નિર્માણ પણ પૂર્ણ થઈ જશે. ભવન નિર્માણ સમિતિની બેઠકમાં 45 દિવસમાં પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભના કાર્યો પૂરા કરવાના આદેશ ચેરમેન નૃપેન્દ્ર મિશ્ર દ્વારા અપાયા છે.
પ્રાણ પ્રતિષ્ઠા સમયે રામ મંદિર સોનાની જેમ ઝળકી ઉઠશે, નૃત્ય મંડપનું કામ પૂર્ણ
પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રામ મંદિર વધુ વધુને શોભાયમાન બનતું જાય છે. પ્રાણ પ્રતિષ્ઠા સમયે મંદિરની સજાવટ એવી રહેશે કે આખું મંદિર પીળા પ્રકાશમાં સોનાની જેમ ચમકશે.
Published : Nov 18, 2023, 11:12 AM IST
ગ્રાઉન્ડ ફ્લોરનું કામ છેલ્લા તબક્કામાં છે. ગ્રાઉન્ડ ફ્લોરના પ્લેટફોર્મ પર સ્ટોન વર્ક પૂર્ણ થઈ ગયું છે. અત્યરે થાંભલા પર મૂર્તિ કામ ચાલી રહ્યું છે. આ કામો પત્યા બાદ એક ભવ્ય અને દિવ્ય મંદિરનું સ્વરુપ સામે આવશે. મંદિરમાં પાંચ મંડપ બનાવવામાં આવશે. જેમાંથી રંગ મંડપનું કાર્ય ડિસેમ્બર સુધી પૂર્ણ થઈ જશે. આ અગાઉ નૃત્ય મંડપનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે...વિનોદ મહેતા(પ્રોજેક્ટ મેનેજર, એલ એન્ડ ટી)
મંદિરની ભવ્યતા વધારવા માટે લાઈટિંગનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અત્યારે બે પ્રકારની લાઈટ લગાડવામાં આવી રહી છે. જેમાં છત પર કોપ લાઈટ અને બીજા માળે વોલવાસ લાઈટનો સમાવેશ થાય છે. વોલવાસ લાઈટને પરિણામે થાંભલા પર કોતરેલ મૂર્તિઓ ઉભરી આવશે. સમગ્ર મંદિર પરિસરમાં હળવી પીળી લાઈટ હશે. જેનાથી સમગ્ર મંદિર સોનાની જેમ ઝળકી ઉઠશે. મંદિરની છત પરનું લાઈટિંગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. અત્યારે ભોંય તળિયા પર લાઈટ લગાડવાનું કામ ચાલી રહ્યું છે.