નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં રામ નવમી દરમિયાન થયેલી હિંસા અંગે મંગળવારે રાજ્ય સરકાર પાસેથી વિગતવાર અહેવાલ મંગાવ્યો છે. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યપાલ સીવી આનંદ બોઝ સાથે વાત કરી હતી અને રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિ, ખાસ કરીને હાવડાના હિંસાગ્રસ્ત વિસ્તારોમાંની સમીક્ષા કર્યાના દિવસો પછી આ પગલું આવ્યું છે.
રામનવમીમાં થઇ હતી અથડામણ :સૂત્રોએ જણાવ્યું કે ગૃહ મંત્રાલયે હાવડામાં રામ નવમી દરમિયાન થયેલી હિંસા અંગે પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી વિગતવાર અહેવાલ મંગાવ્યો છે. પોલીસે જણાવ્યું કે 30 માર્ચે આ તહેવાર દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ વિસ્તારમાં અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. હાવડામાં હિંસાના સંબંધમાં 30 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અમિત શાહને પત્ર લખવામાં આવ્યો :પશ્ચિમ બંગાળ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વડા સુકાંત મજુમદારે રવિવારે રામ નવમીની ઉજવણી દરમિયાન રાજ્યમાં થયેલી હિંસા પર તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને બીજો પત્ર લખ્યો તે પછી MHAનું પગલું આવ્યું છે. એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં બંગાળમાં હિંસા અંગે શાહને મજમુદારનો આ બીજો પત્ર હતો.