અયોધ્યા: ધર્મનગરી અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની દર 3 મહિને યોજાતી બેઠક રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસના નિવાસસ્થાન આવાસ મણિ રામદાસ છાવણી પર યોજાઈ હતી. જેમાં 15 માંથી 12 ટ્રસ્ટના સભ્યો હાજર રહ્યાં હતાં. તેની સાથે જ રામ મંદિર ટ્રસ્ટના વ્યોવૃદ્ધ સદસ્ય પરાસરણ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતાં. રામ લલાના મંદિર નિર્માણમાં ખર્ચ કરાયેલી ધનરાશિને લઈને બેઠકમાં માહિતી આપવામાં આવી હતી. બીજી તરફ પ્રતિષ્ઠા મહોત્સવને ભવ્ય બનાવવા માટે મુખ્યરૂપથી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. બેઠક પૂર્ણ થયાં બાદ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે, મંદિરના નિર્માણનું કાર્ય ત્રણ તબક્કામાં થઈ રહ્યું છે. જેમાં જાન્યુઆરી 2024 સુધી પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ કરવામાં આવશે. જ્યારે ડિસેમ્બર 2024 સુધીમાં બીજા તબક્કાનું અને ડિસેમ્બર 2025 સુધીમાં ત્રીજા તબક્કાનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ જશે.
ટ્રસ્ટની બેઠકમાં 18 મુદ્દાઓ પર ચર્ચા:શુક્રવારની સાંજે મળેલી ટ્રસ્ટની બેઠકમાં 18 મુદ્દાઓ પર થયેલી ચર્ચા વિશે રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે, બેઠકમાં 18 મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ હતી. જેમાં વિદેશી મુદ્રા દ્વારા દાન લેવા માટે ટ્રસ્ટની કાયદાકીય પ્રક્રિયાની જાણકારી એક-બીજાને આપવામાં આવી અને તેના માટે અરજી પણ કરવામાં આવી છે. સાથે જ સરયૂ નદીના તટ પર સ્થિત રામ કથા સંગ્રહાલય લીગલ રીતે 9 ઓક્ટોબરથી રામ મંદિર ટ્રસ્ટ પાસે જ રહેશે. તેની કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. રામ કથા સંગ્રહાલય લેવાનો મુખ્ય ઉદ્દેશ્ય રામ મંદિરના 500 વર્ષના ઈતિહાસ અને 50 વર્ષના લીગલ ડોક્યૂમેન્ટને સુરક્ષિત રાખવાનો છે, જેનાથી આવનારી પેઢી પણ સત્યથી અવગત થઈ શકે.
3000 કરોડ રૂપિયાથી વધારેની ધનરાશિ ઉપલબ્ધ: રામ મંદિર નિર્માણમાં ખર્ચ થઈ ચુકેલા 900 કરોડ રૂપિયા વિશે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે, વર્ષ 2020 થી 31 માર્ચ 2023 સુધી મંદિર નિર્માણ કાર્યમાં અને તેની સાથે સંકળાયેલા કાર્યમાં કુલ 900 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત રામલલાના બેંક ખાતામાં ફિક્સ અને બચત ખાતામાં આશરે 3000 કરોડ રૂપિયાથી વધારેની ધનરાશિ ઉપલબ્ધ છે. રામલલાના મંદિર નિર્માણ કાર્ય સાથે સંકળાયેલા કાર્ય માટે ખર્ચમાં મુખ્ય રીતે પ્રતિદિન મંદિરમાં કરાતો ચઢાવો છે. જોકે, નિધિ સમર્પણ અભિયાનમાં સમર્પિત થયેલી ધનરાશિ માંથી બહું ઓછી રકમ જ રામલલાના મંદિર નિર્માણમાં ઉપયોગ કરાઈ છે.