જયપુરઃ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર તેજ કરી રહ્યો છે. ભાજપના સ્ટાર પ્રચારકોના રાજસ્થાનના પ્રવાસોમાં વધારો થઈ રહ્યો છે. આ શ્રેણીમાં ગુરુવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની પણ રાજસ્થાનના પ્રવાસે છે. આ દિગ્ગજ ભાજપી નેતાઓ અલગ અલગ સ્થળોએ ભાજપનો પ્રચાર કરશે અને કૉંગ્રેસ પર વાકપ્રહાર કરશે. માત્ર જયપૂરમાં જ ત્રણ કેન્દ્રીય પ્રધાનોની જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
ચરમસીમા પર છે ચૂંટણી પ્રચારઃ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ પહોંચી ગયો છે. દરેક પક્ષ અત્યારે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ભાજપ અને કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ જનસભા ઉપરાંત રોડ શોપણ કરી રહ્યા છે. ભાજપ તરફથી સ્ટાર કેમ્પેનર્સને ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ રાજસ્થાનમાં ભાજપના પ્રચારમાં વ્યસ્ત છે. એક પછી એક દિગ્ગજ નેતાઓએ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરતા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપના આ વારાફરતી કરવામાં આવતા પ્રચાર હુમલાનો કૉગ્રેસ પાસે અત્યારે કોઈ નક્કર જવાબ નથી. ગુરુવારે અડધા ડઝનથી વધુ કેન્દ્રીય પ્રધાનો અને દિગ્ગજ નેતાઓની ફોજ ભાજપ તરફથી ચૂંટણી પ્રચાર કરશે.
અમિત શાહનો પ્રવાસ રદ થયોઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો આજનો રાજસ્થાન પ્રવાસ રદ થયો છે. હવે અમિત શાહને બદલે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની ટોંક અને રાજસમંદ વિસ્તારોની જનસાભાને સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ ટોંક અને રાજસમંદની જનસભાને સંબોધન કરવાના હતા, જો કોઈ કારણોસર અમિત શાહનો આ પ્રવાસ રદ થયો છે.
જે.પી. નડ્ડાનો પ્રવાસઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા ગુરુવારે ભાજપનું જનસંકલ્પ ઘોષણાપત્ર જાહેર કરશે. નડ્ડા સવારે 10 કલાકે જયપુર એરપોર્ટ પર આવશે. ત્યારબાદ 11 કલાકે મીડિયા સેન્ટરમાં ભાજપનું જનસંકલ્પ ઘોષણાપત્ર જાહેર કરશે. નડ્ડા 12.45 કલાકે મહુવા જવા રવાના થશે અને 1.30 કલાકે જનસભાને સંબોધન કરશે. ત્યારબાદ બપોરે ત્રણ કલાકે સિકરાયમાં પણ વધુ એક જનસભાને સંબોધન કરશે.