રાજસ્થાન : ઉદયપુરમાં શનિવારે એક સનસનીખેજ ઘટના સામે આવી હતી. પોલીસે અહીં એક 8 વર્ષની માસૂમ સગીરા બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો, જેમાં બાળકીના ઘણા ટુકડા કરવામાં આવ્યા હતા. આ ઘટના ઉદયપુરના માવલી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીં 4 દિવસ પહેલા એક પરિવારે તેમની 8 વર્ષની બાળકીના ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પરંતુ શનિવારે હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા અને બાળકીનો મૃતદેહ ટુકડાઓમાં મળી આવ્યો હતો.
ગુમ થયાની જાણ 4 દિવસ પહેલા થઈ હતી : માવલી પોલીસ સ્ટેશનના અધિકારી અજય સિંહે જણાવ્યું કે, છોકરીના પિતાએ 29 માર્ચે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસ તપાસમાં વ્યસ્ત હતી. પરંતુ શનિવારે પોલીસને ખંડેર હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે કહ્યું કે, હાલમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. બાળકીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કારણ કે બાળકીના શરીરના ટુકડાઓ મળી આવ્યા છે. પોલીસને બાળકીનો મૃતદેહ પ્લાસ્ટિક અને કાપડની થેલીમાંથી મળી આવ્યો હતો.
પોલિસ કાફલો ઘટના સ્થળ પર પહોચ્યો : પોલીસને મૃતદેહ મળવાની માહિતી સાથે SFL ટીમ, ડોગ સ્ક્વેર ટીમ, ઉદયપુરના એસપી વિકાસ શર્મા અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં વ્યસ્ત છે. પોલીસે મૃતક બાળકીના મૃતદેહને ઉદયપુરની એમબી હોસ્પિટલના શબઘરમાં ખસેડ્યો છે.
ઉદયપુરની એમબી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ :8 વર્ષની બાળકીનું પોસ્ટમોર્ટમ ઉદયપુરની એમબી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં સમગ્ર ઘટના અંગે ઉગ્ર રોષ વ્યક્ત કરીને પોલીસને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, 4 દિવસ પહેલા માસૂમ ઘરેથી તેના ખેતરમાં જઈ રહી હતી, પરંતુ જ્યારે તે ત્યાં ન પહોંચી તો પરિવારના સભ્યો ચિંતામાં પડી ગયા હતા.
પરિવારે ન્યાયની કરી માંગણી : પરિવારના સભ્યો અને ગામના લોકોએ પણ તેની દરેક જગ્યાએ શોધખોળ કરી પરંતુ તે મળી ન હતી. બાદમાં પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક વ્યક્તિ મહેશ પાલીવાલે કહ્યું કે, બાળકી સાથે જે પ્રકારની ઘટના બની છે, પોલીસે પરિવારને ન્યાય અપાવવો જોઈએ. બાળકીની હત્યાનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલવો જોઈએ. પરિવારના સભ્યોને પણ વળતર મળવું જોઈએ. આ ઘટનાને અંજામ આપનાર આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ.