ચેન્નાઈ : તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓમાં સોમવારે પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. પલાયમકોટ્ટઈમાં 26 સેમી અને કન્યાકુમારીમાં 17 સેમી વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન તિરુનેલવેલી જિલ્લામાં પૂર પ્રભાવિત લોકો એક આશ્રય શિબિરમાં ગયા હતા. આશ્રય ગૃહના એક દ્રશ્યમાં લોકોને રાશન લેવા માટે લાઈનમાં ઉભા જોઈ શકાય છે.
તમિલનાડુમાં વરસાદે તારાજી સર્જી : તમિલનાડુ સરકારે ભારે વરસાદને કારણે સોમવારે તિરુનેલવેલી, થુથુકુડી, કન્યાકુમારી અને તેનકાસી જિલ્લામાં તમામ શાળા, કોલેજો, ખાનગી સંસ્થા, બેંક અને નાણાકીય સંસ્થાઓમાં રજા જાહેર કરી છે. થૂથુકુડી જિલ્લામાં મોડી રાતથી વરસાદ ચાલુ છે. કોવિલપટ્ટી વિસ્તારમાં 40 તળાવ મહત્તમ ક્ષમતાએ પહોંચી ગયા છે.
શાળા-કોલેજોમાં રજા જાહેર : થૂથુકુડી જિલ્લામાં શ્રીવૈકુંટમ તાલુકામાં રવિવારના રોજ 525 મીમી વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય તિરુચેન્દર, સથાનકુલમ, કાયથાર, ઓટ્ટાપિડ્રમમાં પણ ભારે વરસાદની આશંકા છે. જોકે આ દરમિયાન મકાન મિલકતને નુકસાન થયાના કોઈ અહેવાલ નથી. થૂથુકુડીમાં ભારે વરસાદના કારણે પશુધનનું નુકસાન થયાના અહેવાલ છે. આ સિવાય તિરુનેલવેલીના પલાયમકોટ્ટઈમાં રવિવારે સાંજે 5:30 વાગ્યા સુધીમાં 260 મીમી વરસાદ નોંધાયો હતો. વિરુધુનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો હતો. વિરુધુનગર જિલ્લા કલેક્ટરે 18 ડિસેમ્બરના રોજ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે.
વરસાદની આગાહી : હવામાન વિભાગની આગાહી અનુસાર કન્યાકુમારી, તિરુનેલવેલી અને થૂથુકુડીમાં એક-બે સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. IMD ની આગાહી અનુસાર 18 ડિસેમ્બરના રોજ તમિલનાડુના કન્યાકુમારી, તિરુનેલવેલી, થૂથુકુડી, રામનાથપુરમ, પુડુકોટ્ટઈ અને તંજાવુર જિલ્લામાં એક કે બે જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત 19 ડિસેમ્બરના રોજ તમિલનાડુના કન્યાકુમારી, તિરુનેલવેલી, થૂથુકુડી અને રામનાથપુરમ જિલ્લામાં એક કે બે સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. IMD ની આગાહી અનુસાર 19 ડિસેમ્બરના રોજ તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં એક કે બે જગ્યાએ વાવાઝોડા સાથે વીજળી પડવાની સંભાવના છે.
આ જિલ્લાઓ જળબંબાકાર : થુથુકુડી જિલ્લાના કોવિલપટ્ટી, એટ્ટાયપુરમ, વિલાથિકુલમ, કલુગુમલાઈ, કાયથર, કદમ્બુર, વેમ્બાર અને સુરંગુડી સહિતના અન્ય વિસ્તારોમાં રવિવાર સવારથી સતત વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદના કારણે કોવિલપટ્ટી આસપાસની નદીઓ અને તળાવો તેની પૂર્ણ ક્ષમતાએ પહોંચી ગયા છે અને તળાવમાંથી પાણી વહી રહ્યું છે. આ ઉપરાંત કૂસલીપટ્ટી અને ઇનામ મનિયાચી વિસ્તારમાં વરસાદી પાણીના કારણે નદીઓ વહેતી થઈ છે. પાણીનો પ્રવાહ રોકવા માટે રેતીની થેલીઓ અને જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જળાશયો છલકાયા : થૂથુક્કુડી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી રાજેશે કહ્યું, કોવિલપટ્ટી પંચાયતના 40 તળાવ ભરાઈ ગયા છે. બે તળાવોને નુકસાન થયું હતું અને અમે તેનું સમારકામ કર્યું હતું. અમે અન્ય તળાવો ઉપર પણ સતત નજર રાખી રહ્યા છીએ. જો તળાવમાં કોઈ તિરાડ હોય તો અમે તેને તાત્કાલિક રિપેર કરવા તૈયાર છીએ. તમિલનાડુ સરકારે લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સાવચેતીના પગલાં લીધાં છે.
તંત્રની તૈયારી : તમિલનાડુના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન પ્રધાન કેકેએસએસઆર રામચંદ્રને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા વિવિધ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. ખાસ કરીને ઉપરોક્ત જિલ્લાઓ માટે મંત્રીઓ અને બે IAS અધિકારીઓની અલગથી નિમણૂંક કરવામાં આવી છે. તેઓ કામો પર નજર રાખી રહ્યા છે. સાવચેતીના પગલા તરીકે 250 સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને કન્યાકુમારી, તિરુનેલવેલી, તૂતીકોરિન અને તેનકાસી જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે.
- ભારતે બતાવી 'સ્વદેશી' તાકાત : આકાશ મિસાઈલે એકસાથે 4 ટાગ્રેટ પર સાધ્યું નિશાન
- એમ્બ્યુલન્સ જોઈને PM મોદીએ પોતાનો કાફલો રોક્યો, વારાણસીમાં રોડ શોનો વીડિયો સામે આવ્યો