છત્તિસગઢ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાયપુર કોંગ્રેસ અધિવેશનમાં પાર્ટીના પ્રતિનિધિઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ અનેક સંસ્મરણો વાગોળ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, 1977ના સમયમાં ઘરનું વાતાવરણ એક અલગ જ પ્રકારનું હતું. માતાએ કહ્યું કે આપણે આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. ત્યારે માતાને પૂછવા પર તેમણે જવાબ આપ્યો કે, આ આપણું ઘર નથી પરંતુ સરકારનું ઘર છે.
ભાષણ દરમિયાન રાહુલ ગાંધી થયા ભાવુક : રાહુલ ગાંધીએ ભાવુક થઈને કહ્યું કે "52 વર્ષ થઈ ગયા છતાં પણ અમારી પાસે ઘર નથી". ભારત જોડો યાત્રાએ મને ઘણું બધું શીખવ્યું છે. મુસાફરી દરમિયાન મારી બાજુની માત્ર 20-25 ફૂટની જગ્યા જ મારું ઘર બની ગયું હતું. મેં બધાને કહ્યું કે આ જગ્યાએ આવીને મને મળીને બધાએ વિચારવું જોઈએ કે હું ઘરે આવ્યો છું. ભારત જોડો યાત્રાની સફળતાથી કોંગ્રેસીઓ ઉત્સાહિત છે. જે બાદ કોંગ્રેસ પાર્ટી બીજી યાત્રાનું આયોજન કરી રહી છે. ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર એટલે કે દક્ષિણથી ઉત્તર દિશામાં શરૂ થઈ હતી અને હવે આ યાત્રા પૂર્વથી પશ્ચિમની હશે. કહેવામાં આવી રહ્યું છે કે આ યાત્રા અરુણાચલ પ્રદેશના પાસીઘાટથી શરૂ થશે અને પછી ગુજરાતના પોરબંદર પહોંચશે.