નવી દિલ્હીઃ કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે ચીને લદાખમાં ભારતીય વિસ્તારો પર ઘુસણખોરી કરી છે તેવું ફરીથી નિવેદન આપ્યું છે. ચીને રજૂ કરેલા નવા નકશામાં અરૂણાચલ પ્રદેશ અને અકસાઈ ચીનને પોતાના વિસ્તાર ગણાવ્યા છે. રાહુલ ગાંધી આ મુદ્દાને ગંભીર ગણાવી રહ્યા છે. દિલ્હી એરપોર્ટ પર રાહુલ ગાંધીએ મીડિયાને જણાવ્યું કે હું વર્ષોથી ચીનની ઘુસણખોરી મુદ્દે વાત કરી રહ્યો છું. હું તાજેતરમાં જ લદાખના પ્રવાસે હતો. ત્યાંના સ્થાનિક લોકો પણ જાણે છે કે ચીને ઘુસણખોરી કરીને આપણા વિસ્તારો પડાવી લીધા છે. વડાપ્રધાન કહે છે કે એક ઈંચ જમીન ચીને પડાવી નથી. તેમનું આ નિવેદન સદંતર ખોટું છે.
ચીનનો નવો નકશો વિવાદિતઃ ANIના રિપોર્ટરે ચીનના નવા નકશા પર સવાલ કર્યો હતો. તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આ એક ગંભીર મુદ્દો છે. ચીને આપણા વિસ્તારો પડાવી લીધા છે. વડાપ્રધાને આ મુદ્દે કંઈક કહેવું જોઈએ. વડાપ્રધાને ભારતની એક ઈંચ જમીન ચીને નથી પડાવી તેવું નિવેદન આપ્યું છે. જે સદંતર ખોટું છે. ચાયનાઝ પીપલ લિબરેશન આર્મી (પીએલએ) દ્વારા ભારતના અનેક વિસ્તારો પર ચીને કબજો જમાવી દીધો છે.