નવી દિલ્હીઃકોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે લગભગ એક સપ્તાહ માટે યુરોપના પ્રવાસે રવાના થયા હતા. યુરોપમાં તેમના રોકાણ દરમિયાન તેઓ યુરોપિયન યુનિયન (EU)ના વકીલો, વિદ્યાર્થીઓ અને ભારતીય મૂળના વસાહતીઓ સાથે મુલાકાત કરશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રાહુલ ગાંધી તેમના યુરોપ પ્રવાસ દરમિયાન 3 યુરોપિયન દેશોની મુલાકાત લેશે.
રાહુલ ગાંધીનો કાર્યક્રમ:રાહુલ ગાંધી બેલ્જિયમના બ્રસેલ્સ અને નોર્વેના ઓસ્લો જશે. 9 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી બપોરે 3 વાગ્યે પેરિસ પહોંચશે અને સાંજે 6 વાગ્યે પેરિસની એક યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ ફ્રાન્સના લેબર યુનિયન સાથેની બેઠક પહેલા બપોરે એશિયન દેશોના લોકો સાથે લંચ લેશે. રાહુલ 7 સપ્ટેમ્બરે બ્રસેલ્સમાં EU વકીલોના જૂથને મળશે અને હેગમાં પણ આવી જ બેઠક યોજશે. ફ્રાન્સ બાદ રાહુલ નોર્વે જશે, જ્યાં તેઓ 10 સપ્ટેમ્બરે ઓસ્લોમાં સ્થળાંતર કરનારાઓના એક કાર્યક્રમને સંબોધિત કરશે. તે 11 સપ્ટેમ્બર સુધીમાં ઘરે પરત ફરે તેવી શક્યતા છે.
અગાઇ કરી હતી અમેરિકાની મુલાકાત: યોગાનુયોગ, જ્યારે G-20 સમિટ ભારતમાં 8-9 સપ્ટેમ્બરના રોજ યોજાશે, તે જ દિવસોમાં રાહુલ પેરિસ, ફ્રાન્સમાં ચર્ચા કરશે. આ વર્ષની શરૂઆતમાં રાહુલ ગાંધી અમેરિકાની 6 દિવસની મુલાકાતે ગયા હતા. જ્યાં તેમણે ભારતીય ઈમિગ્રન્ટ્સને ત્યાં સંબોધન કર્યું હતું. તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં લેક્ચર પણ આપ્યું હતું. અમેરિકા અને યુરોપમાં આપેલા તેમના નિવેદનો પર ભાજપના નેતાઓની પણ તીખી પ્રતિક્રિયાઓ આવી હતી.
સદસ્યતા પુનઃસ્થાપિત થયા બાદ પ્રથમ વિદેશ પ્રવાસ:2019ના મોદી સરનેમ કેસમાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ રાહુલ ગાંધીએ સંસદનું સભ્યપદ ગુમાવ્યું હતું. જો કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ તેમનું સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. સદસ્યતા પુનઃસ્થાપિત થયા બાદ આ તેમનો પ્રથમ વિદેશ પ્રવાસ છે.
(વધારાની ઇનપુટ-એજન્સી)
- 20th ASEAN summit: PM મોદી 20મી ASEAN સમિટમાં ભાગ લેશે, સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરશે
- Joe Biden India Visit: બિડેન કોરોના વાયરસથી સંક્રમિત ન હોવાની પુષ્ટિ, G20 સમિટ માટે ભારત આવશે