નવી દિલ્હીઃરાજ્યસભામાંથી સસ્પેન્ડ થયા બાદ રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર તેમની પ્રોફાઈલ બદલી નાખી છે. પહેલા પ્રોફાઈલમાં "મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ"નો ઉલ્લેખ હતો. હવે તેમની નવી પ્રોફાઈલ છે "સસ્પેન્ડેડ મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ, ઈન્ડિયા".શુક્રવારે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સભ્ય રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.રાઘવ ચઢ્ઢા પર 5 રાજ્યસભા સાંસદોએ સોમવારે વિશેષાધિકાર પ્રસ્તાવની માંગણી કરી હતી. સાંસદોનો આરોપ છે કે દિલ્હી સર્વિસ બિલ સંદર્ભે પસંદગી સમિતિને તેની પરવાનગી વિના સામેલ કરવામાં આવી છે.
34 વર્ષના સાંસદે બતાવ્યો અરીસોઃ રાજ્યસભામાંથી સસ્પેન્ડ થયા બાદ રાઘવ ચઢ્ઢાનું નિવેદન હતું કે, મારૂ રાજ્યસભાનું સસ્પેન્શન યુવાનોને ભાજપ તરફથી કડક ભાષામાં સંદેશ છે કે જો તમે સવાલ પુછશો તો તમારો અવાજ કચડી નાંખવામાં આવશે. દિલ્હી સર્વિસ બિલ પર સંસદમાં મારા ભાષણ દરમિયાન આકરા પ્રશ્નો પુછવાને પરિણામે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. કારણ કે, વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપા પાસે મારા સવાલોનો કોઈ જવાબ નથી. મેં દિલ્હી રાજ્યને લઈને ભાજપે જે બેમોઢાની વાતો કરી છે તે જાહેર કર્યું તે જ મારો ગુનો છે. તેમણે અડવાણી વાદ અને બાજપાઈ વાદનું પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું. હકીકત તો એ છે કે એક 34 વર્ષના સાંસદે તેમને અરીસો બતાવ્યો તેથી તેઓ ભડક્યા છે.
સંસદના એક યુવા અને પ્રભાવી સભ્ય પર ખોટા આરોપો લગાડીને સરકાર સસ્પેન્ડ કરાવે તે ખતરનાક સંકેત છે. આ કાર્યવાહીમાં યુવા વિરોધી માનસિકતા છતી થાય છે અને નિષ્પક્ષ પ્રતિનિધિત્વ અને લોકશાહીના મૂલ્યો કમજોર થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી અને અન્ય ભારતીય સાંસદોનું સસ્પેન્શન સંસદ માટે ચિંતાજનક પ્રવૃત્તિ છે. ભાજપ વિપક્ષનો અવાજ દબાવવા માટે તથ્ય અને કલ્પના વચ્ચેના ભેદને મીટાવી રહી છે...રાઘવ ચઢ્ઢા (નેતા, આમ આદમી પાર્ટી)