- અકાલીના વડા સુખબીરસિંહ બાદલ સહિત અનેક અકાલી અને બસપા નેતાઓ સામે પણ કેસ નોંધ્યો
- 300થી વધુ અજાણ્યા શખ્સો સામે પણ કેસ નોંધ્યો
- રાજ્યમાં કોંગ્રેસની આગેવાનીવાળી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા
મોહાલી (પંજાબ): શિરોમણિ અકાલી દળ અને બહુજન સમાજ પાર્ટીના નેતાઓ કે જેઓ મોહાલીમાં મુખ્યપ્રધાન અમરિંદર સિંહના નિવાસસ્થાનનો ઘેરાવ કરવા જઇ રહ્યા હતા જેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે કાર્યકરોને વિખેરવા અને તેમને આગળ વધતા અટકાવવા માટે વોટર તોપોનો ઉપયોગ કર્યો હતો.
FIR કલમ 188 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ નોંધવામાં આવી
પોલીસે કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ અકાલીના વડા સુખબીરસિંહ બાદલ સહિત અનેક અકાલી અને બસપા નેતાઓ સામે પણ કેસ નોંધ્યો છે. બાદલ ઉપરાંત મોહાલી પોલીસે ધારાસભ્ય બિક્રમસિંહ મજીઠીયા, એન.કે. શર્મા અને પૂર્વ પ્રધાનો દલજીતસિંહ ચીમા, ગુલઝારસિંહ રાણીકે, પંજાબ બસપા પ્રમુખ જસબીરસિંહ ગઢી સહિત 300થી વધુ અજાણ્યા શખ્સો સામે પણ કેસ નોંધ્યો છે એમ પોલીસે જણાવ્યું હતું. આ FIR કલમ 188 (જાહેર સેવકના આદેશોની અવગણના) અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ નોંધવામાં આવી છે.
વિરોધ પ્રદર્શનમાં પંજાબ બસપાના પ્રમુખ જસબીરસિંહ ગઢી પણ હાજર
આ અગાઉ ફતેહ કીટની ખરીદીમાં ગેરરીતિઓ અને ખાનગી હોસ્પિટલોમાં કોવિડ -19 રસી પહોંચાડવા સહિતના વિવિધ મુદ્દાઓ પર અકાલી અધ્યક્ષ સુખબીરસિંઘ બાદલની આગેવાની હેઠળના વિરોધીઓએ રાજ્યમાં કોંગ્રેસની આગેવાનીવાળી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. 2022ની પંજાબ વિધાનસભાની ચૂંટણીઓ માટે જોડાણ બનાવ્યા પછી અકાલી-BSPનું આ પ્રથમ સંયુક્ત પ્રદર્શન હતું. વિરોધ પ્રદર્શનમાં પંજાબ બસપાના પ્રમુખ જસબીરસિંહ ગઢી પણ હાજર હતા.
આ પણ વાંચો:હરિયાણા વિધાનસભા ચૂંટણી: બસપાએ જાહેર કરી 41 ઉમેદવારોની યાદી
મુખ્યપ્રધાનના નિવાસસ્થાને જતા માર્ગો પર જવાનો તૈનાત
પોલીસ દ્વારા અકાલીના અનેક નેતાઓ સુખબીરસિંહ બાદલ, બિક્રમસિંહ મજીઠીયા અને જસબીરસિંહ ગઢી અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. આ બધાને કુરાલી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને બાદમાં છોડી દેવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાનના નિવાસસ્થાને જતા માર્ગો પર મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા અને વિવિધ સ્તરે બેરિકેડ લગાવાયા હતા. અકાલી અને બસપાએ મોહાલીના સિસવાનમાં મુખ્યપ્રધાનના ખાનગી નિવાસસ્થાનને ઘેરાવ કરવાની યોજના બનાવી હતી.