ડુંગરપુરઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. પ્રચારના દાવ પર દાવ ખેલાઈ રહ્યા છે. આ દરમિયાન કૉંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ડુંગરપુરના સાગવાડામાં એક જનસભા સંબોધી હતી. આ સંબોધનમાં પ્રિયંકા ગાંધીએ ભાજપ પર આકરા વાકપ્રહાર કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ ભાજપની સરકાર મોટા ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા ચાલી રહી છે તેમ કહ્યું હતું. તેમણે મોંઘવારી અને બેરોજગારી મુદ્દે પણ ભાજપને આડે હાથ લીધી હતી.
કારખાના પોતાના મિત્રોને આપ્યાઃ કેન્દ્રમાં ચાલતી ભાજપ સરકાર મોટા મોટા ઉદ્યોગપતિઓ માટે ચાલી રહી છે. દેશમાં જેટલા મોટા કારખાના છે તેને નબળા પાડીને પોતાના ઉદ્યોગપતિ મિત્રોને સોંપી દેવાયા છે. આ કારખાનાઓથી અનેક લોકોને રોજગાર મળતો હતો. જે હવે બંધ થઈ ગયો છે. તેમણે વડા પ્રધાન પર મોટા ઉદ્યોગપતિઓને મદદ કરવાનો આક્ષેપ પણ કર્યો છે.
ચૂંટણી ટાણે ધર્મની યાદ આવેઃ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે સરકારો બદલાતી રહે છે, રાજકારણ પણ બદલાય છે. તેમણે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે, ચૂંટણી ટાણે ધર્મને યાદ કરવો એ ભાજપનું રાજકારણ છે. ભાજપને ગરીબ સાથે કોઈ લેવા દેવા નથી. તેમનું ધ્યાન માત્ર ચૂંટણી પર હોય છે. પ્રિયંકા ગાંધીએ કિસાન આંદોલન મુદ્દે વડા પ્રધાન પર વાક પ્રહાર કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, કિસાન આંદોલન સમયે વડા પ્રધાન ખેડૂતોને મળવા માટે ઘરની બહાર પણ નીકળ્યા નહીં, જ્યારે ચૂંટણી આવી ત્યારે આ કાયદા પરત લેવામાં આવ્યા. તેમનું ધ્યાન માત્ર ચૂંટણી પર રહે છે સામાન્ય જનતા પર નથી રહેતું.