અમદાવાદ : વડાપ્રધાન મોદીએ માતા-બહેનોને વંદન કરતાં કહ્યું કે, માતા-બહેનોના આશીર્વાદ મળે તેનાથી મોટું સૌભાગ્ય શું હોય શકે. અહીં આવતા પહેલા આખો દિવસ યુવાઓ સાથે જોડાયેલા કાર્યક્રમમાં હાજર હતો. આજે મને તમારા બધાનાં મોઢાં પર ખુશી જોવા મળી રહી છે, તમે તમારા ભાઈ અને દીકરાને જે કામ માટે વિશ્વાસ સાથે મોકલ્યો હતો એ કામ કર્યું છે. આ સપનું વર્ષો અગાઉ ગુજરાતની ધરતીથી આપણે જોયું હતું, આજે એ સંકલ્પ સાથે હું આવ્યો છું. હંમેશાની જેમ રક્ષાબંધન પર તમારી ઘણી રાખડીઓ મળી હતી, આપણે ત્યાં રાખડીના બદલામાં ભેટ આપવાનો રિવાજ છે. મેં પહેલેથી ગિફ્ટ તૈયારી કરી દીધી હતી, પરંતુ પહેલાં તો કહેવાય નહિ ને. નારીશક્તિ વંદન અધિનિયમ મારી બહેનોનાં સપનાં પૂરાં થવાની ગેરંટી છે. વિકસિત ભારતની ગેરંટી છે, મહિલાઓ હશે તો દેશને આગળ વધતા કોઈ રોકી નહીં શકે, હું તમને બધાને બિલ પાસ થવાની શુભેચ્છા આપું છું. બહેન, દીકરીઓ તમે જાણો છો કે આઝાદી પછી નારીશક્તિ સાથે ન્યાય નથી થયો, કોઈનો એક હાથ કે પગ બાંધો તો તમે એનાથી શું આશા રાખી શકો.
દેશ આ રીતે જ વિકાસ ન કરી શકે, મહિલા અધિકારોની વાત પર રાજકીય બહાનાં બનાવવામાં આવતાં હતાં. ગુજરાતમાં અમે મહિલાઓ માટે અનેક અભિયાન ચલાવ્યાં, મહિલાઓ સૌથી વધુ પ્રભાવિત થઈ, સામાજિક સ્થળ પર બહેન-દીકરીઓ માટે કન્યા કેળવણી અભિયાન ચલાવ્યું હતું. મેયર, ડે મેયર, સ્ટેન્ડિંગ અને પક્ષના નેતા તમામમાંથી એક સ્થાન મહિલાને આપ્યું છે. દલિત અને આદિવાસી સમાજને પણ પદ આપ્યું છે. ગુજરાતમાં અમે જેન્ડર બજેટનો પ્રયોગ કર્યો, મહિલાઓ માટે રોજગારી વધી, મહિલાઓ માટે સરકારી યોજના બનાવી, મહિલાઓ માટે મહિલા વિકાસ કલ્યાણ વિભાગની રચના કરી, ડેરીક્ષેત્રમાં 35 લાખથી વધુ મહિલાઓ છે. આજે લાખો મહિલાઓ વન વિકાસમાં યોગદાન આપી રહી છે. ગુજરાતમાં 2.5 લાખથી વધુ સખી મંડળ કાર્યરત છે, ગર્ભવતી માતાઓને પોષણ મળે એ માટે કામ કર્યું છે. -નરેન્દ્ર મોદી, વડાપ્રધાન
નીતિ સાફ, નિયત નેક હોય તો સારાં કામ થાય છે. વડાપ્રધાન મોદીએ નીતિથી કામ કર્યું છે. ત્રિપલ તલાક, 370 અને હવે મહિલા અનામત ત્રણેય નિર્ણય તેમના કાર્યકાળમાં થયા છે. અમૃતકાળમાં સૌના પ્રયાસથી ભારતને વિકસિત કરવાનું આ પગલું છે. લોકતંત્રમાં મહિલાઓની ભાગીદારી વધે એ માટેનું કમિટમેન્ટ પૂરું થયું છે.- ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી