હૈદરાબાદ/નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દેશનું નામ 'ઈન્ડિયા'માંથી બદલીને 'ભારત' કરવાનો ઠરાવ સંસદના વિશેષ સત્રમાં રજૂ કરે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. સૂત્રો અનુસાર 18થી 22 સપ્ટેમ્બર સુધી ચાલનારા વિશેષ સત્રમાં કેન્દ્ર સરકાર દેશનું નામ બદલવા મુદ્દે ઠરાવ લાવી શકે છે.
જયરામ રમેશના વાકપ્રહારઃ આ મુદ્દે ભાજપ સરકાર પર કૉંગ્રેસના નેતા જયરામ રમેશે વાકપ્રહાર કર્યો છે. જયરામ રમેશે એકસ હેન્ડલ પર જણાવ્યું કે કેન્દ્ર સરકારે G20 સમિટ ડિનરના આમંત્રણમાં "પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયા"ને બદલે "પ્રેસિડેન્ટ ઓફ ભારત" લખ્યું છે. આ સાબિત કરે છે કે કેન્દ્રમાં રહેલી ભાજપ સરકાર દેશનું નામ ઈન્ડિયામાંથી બદલીને ભારત કરી દેવા માંગે છે. "હવે, બંધારણની કલમ 1ને કંઈક આ રીતે વાંચવામાં આવી શકે છે.'ભારત, જે અગાઉ ઈન્ડિયા હતું,તે સંઘ રાજ્ય રહેશે.' પરંતુ કેન્દ્ર સરકારે આ સંઘ રાજ્ય સંકલ્પના પર પણ આક્રમણ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી 26 વિપક્ષી દળોએ સાથે મળી ગઠબંધન 'ઇન્ડિયા'(Indian National Developmental Inclusive Alliance)ની રચના કરી છે ત્યારથી સત્તાપક્ષ ભાજપ આ મુદ્દે ટીકા કરી રહ્યું છે.