ન્યૂઝ ડેસ્ક: વર્ષો વિતતાં ગયાં તેમ, આપણા રમત સંગઠનો અને સંઘોએ કુખ્યાતિ પ્રાપ્ત કરી છે કારણકે રાજકારણ અને ભ્રષ્ટ વ્યવહારોએ તેમને ઘેરી લીધા છે અને તેના કારણે લાયકાતવિહીન વ્યક્તિઓને રમવાની તક મળે છે. ગત વર્ષે જૂનમાં, કેન્દ્ર સરકારે નિયમોના ઉલ્લંઘન માટે 54 રમત સંસ્થાઓની માન્યતા નિરસ્ત કરી દીધી. પરંતુ તેને પછીથી પોતાના નિર્ણયને પાછો ખેંચવો પડ્યો.
કેન્દ્ર સરકારે ડિસેમ્બર સુધીમાં ૧૪ રમત સંસ્થાઓના સંચાલન વિભાગોની ચૂંટણી યોજવા કહ્યું હતું જેમાં કોઈ ચૂક ન થવી જોઈએ. આ નિર્દેશ પછી સ્થિતિમાં કોઈ પરિવર્તન આવ્યું છે?
ઑલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશનની અવધિ વધારવા પર સુનાવણી દરમિયાન, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ બોબડેએ સીધો પ્રશ્ન મૂક્યો- અવધિ પૂરી થઈ ગયા પછી પણ તમે ચૂંટણી કેમ યોજી રહ્યા નથી? જોકે આ પ્રશ્નનો કોઈ ઉત્તર નહોતો.
બૉક્સિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાની સામાન્ય સભાની બેઠક ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં યોજાવાની હતી. પરંતુ કૉવિડ-૧૯ રોગચાળાના કારણે તેને વિલંબિત કરવામાં આવી. ઑલ ઇન્ડિયા ચેસ ફેડરેશન (એઆઈસીએફ) બે જૂથોમાં ઊભી રીતે વહેંચાઈ ગઈ છે. ચૌહાણ છાવણીએ વિરોધી જૂથ દ્વરા દાખલ કરેલ નામાંકનને પડકાર્યું છે. ફેડરેશનમાં જે ઑનલાઇન મતદાન થવાનું છે તેના પર પણ તેણે શંકા વ્યક્ત કરીછે. છેવટે એઆઈસીએફના મહત્ત્વના હોદ્દાઓ ઉત્તર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કિમની વ્યક્તિઓને મળ્યા, આ રાજ્યો ચેસ સંબંધિત પ્રવૃત્તિઓ માટે લોકપ્રિય નથી. ઑલ ઇન્ડિયા ગૉલ્ફ એસોસિએશનની ચૂંટણીમાં પણ વિવાદ જાગ્યો હતો જેમાં એવો આક્ષેપ થયો છે કે એક રાજ્યમાં રહેતા વ્યક્તિઓએ બીજા કોઈ રાજ્યમાંથી ઉમેદવારી કરી છે. ઇન્ડિયન ઑલિમ્પિક એસોસિએશન અને નેશનલ સ્પૉર્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા રમતની સંસ્થાઓમાં સરકારી કર્મચારીઓની ચૂંટણીને લગતા નવા નિયમો પર ક્રોધિત છે. સાડા ચાર વર્ષ જૂની યોગ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ નવી સંસ્થા નેશનલ યોગાસન ક્રીડા ફેડરેશનને સત્તાવાર દરજ્જો અપાયો તે મુદ્દે ઉચ્ચ ન્યાયાલયમાં પડકાર આપ્યો છે. રમત વિકાસ મોરચે પ્રવર્તી રહેલી કરુણાજનક સ્થિતનાં આ બધાં ઉદાહરણ છે.