ન્યૂઝ ડેસ્કઃ લાંબા સમયની પ્રતીક્ષા બાદ, કેન્દ્ર સરકારે અસાધારણ બીમારીઓ માટે રાષ્ટ્રીય નીતિ જાહેર કરી છે. 5000ની વસ્તીમાં બે કે વધુ વ્યક્તિઓ જે બીમારીની ચપેટમાં આવે તેને અસાધારણ બીમારી ગણવામાં આવે છે. વિશ્વના વિવિધ દેશોમાં તેની વ્યાખ્યા જુદી જુદી છે. ભારતમાં 7000થી 8000 જેટલી અસાધારણ બીમારીઓ છે અને આશરે સાત કરોડ લોકો તેનાથી અસરગ્રસ્ત છે, તેમ નિષ્ણાતો કહે છે. આ બીમારીઓમાંથી 80 ટકા કરતાં વધુ બીમારીઓ આનુવંશિક ખામીઓને કારણે થાય છે. આમાંની પાંચ ટકા કરતાં ઓછી બીમારીઓની સારવાર થઈ શકે છે તેમ કહી શકાય. અસાધારણ બીમારીઓ માટે યોગ્ય ચિકિત્સા ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને અનેક વર્ષો સુધી સહન કરવું પડે છે. ઉપલબ્ધ દવાઓ સામાન્ય લોકોને પરવડે નહીં તેવી, એટલે કે અત્યંત મોંઘી હોય છે. વર્ષ 2017માં આ અંગે રાષ્ટ્રીય નીતિમાં સુધારાનાં પગલાં લેવાનું આયોજન હતું, પરંતુ લાંબા સમયની પ્રતીક્ષા પછી સરકારની યોજના છેવટે સાકાર થઈ.
કેન્દ્રિય સ્વાસ્થ્ય પ્રધાન ડૉ. હર્ષ વર્ધને જણાવ્યું છે કે નેશનલ પોલિસી ફોર રેર ડિસીઝ 2021 મંજૂર કરવામાં આવી છે. આ જાહેરાત કરવાની સાથે તેમણે ઉમેર્યું કે આ નીતિનું ધ્યેય અસાધારણ બીમારી માટે સારવારના ઊંચા ખર્ચને ઘટાડવાનો છે, સાથે સાથે ઘરઆંગણે સંશોધન અને દવાઓના સ્થાનિક ઉત્પાદન ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે "યોજના હેઠળ લાભાર્થીને મળતી નાણાંકીય સહાય ફક્ત બીપીએલ (બિલો પોવર્ટી લાઇન) એટલે કે ગરીબી રેખા નીચે હોય તેવા પરિવારો પૂરતી મર્યાદિત છે, પરંતુ પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પાત્રતા ધરાવતા લોકોના આશરે 40 ટકા સુધી તેના લાભ પહોંચાડવામાં આવશે."
કર્ણાટક સિવાય સમગ્ર ભારતમાં એવું એક પણ રાજ્ય નથી, જ્યાં અસાધારણ બીમારીઓથી પીડાતા નાગરિકોને લાભ આપવા માટે કોઈ યોજના હોય. કેન્દ્ર સરકારે નવી નીતિ હેઠળ રાષ્ટ્રીય આરોગ્ય નિધિ હેઠળ રૂ. 20 લાખ સુધીની સહાય આપવાની ખાતરી આપી છે. જોકે, એમ જણાય છે કે હજુ ઘણું કરવાનું બાકી છે.