- પોઈન્ટમેને એક બાળકનો જીવ બચાવ્યો
- બાળક રેલવે ટ્રેક પર પડી ગયો હતો જેને પોઈન્ટમેને જીવના જોખમે બચાવ્યો
- રેલવે પ્રધાન પીયૂસ ગોયલે મયૂરની પ્રશંસા કરી
મુંબઈ: વાંગાણી રેલવે સ્ટેશન પર શનિવારે એક પોઈન્ટમેને એક બાળકનો જીવ બચાવ્યો હતો. મધ્ય રેલવે (મુંબઈ વિભાગ)માં પોઇન્ટમેન તરીકે કામ કરનારા મયુર શેલ્કે એક બાળકનો જીવ બચાવ્યો હતો. આ બાળક અચાનક ટ્રેનના પાટા પર પડી ગયો હતો, જ્યારે આ ઘટના બની તે સમયે ટ્રેન પણ સામેથી આવી રહી હતી. જોકે, પોઈન્ટમેને હિંમત કરીને દોડ લગાવી આ બાળકને બચાવી લીધો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
બાળકે સંતુલન ગુમાવતા તે રેલવે ટ્રેક પર પડી ગયો હતો
મુંબઈના વાંગાણી રેલવે સ્ટેશન પર શનિવારે 17 એપ્રિલના રોજ સાંજે પાંચ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. બાળક અને એક મહિલા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર ચાલી રહ્યા હતા, ત્યારે અચાનક બાળકે સંતુલન ગુમાવતા તે રેલવે ટ્રેક પર પડી ગયો હતો. જેની જાણ પોઈન્ટમેનને થતા તેને દોડ લગાવી જીવના જોખમે આ બાળકનો જીવ બચાવી લીધો હતો.
રેલવે પ્રધાન પીયૂષ ગોયલે મયૂરની પ્રશંસા કરી
રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આ ઘટનાના CCTC ફૂટેજ શેર કરી અને મયૂરની પ્રશંસા કરી હતી. પીયૂષ ગોયલે લખ્યું કે, મુંબઈના વાંગની રેલવે સ્ટેશનના પોઇન્ટમેન મયૂર શેલ્કેએ જે હિંમતવાન કાર્ય કર્યૂ છે. તે પ્રશંસનિય છે. તેઓએ પોતાનો જીવ જોખમમાં મુકીને એક બાળકનો જીવ બચાવ્યો છે અમને તેના પર ગર્વ છે. રેલવે પ્રધાને વધુમાં લખ્યું હતું કે, પોઇન્ટમેન મયૂર શેલ્કે સાથે વાત કરી અને તેની બહાદુરી બદલ તેની પ્રશંસા કરી છે અને તેને કહ્યું કે, સમગ્ર રેલ પરિવારને તેના પર ગર્વ છે.