- વડાપ્રધાન આજે 80મી ઓલ ઈન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સમાં સંબોધિત કરશે
- બપોરે 12:30 કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમાપન સત્રને સંબોધશે
- કેવડિયા ખાતે યોજાઈ રહી છે 80મી ઓલ ઈન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ
ન્યૂઝ ડેસ્કઃ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે 80મી ઓલ ઈન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ યોજાઈ રહી છે. જેમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ઉપરાંત લોકસભાના સ્પિકર, રાજ્યસભાના સ્પિકર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા છે, ત્યારે આજે (ગુરૂવારે) વડાપ્રધાન મોદી આ કોન્ફરન્સના સમાપન સત્રને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધીત કરશે.
1921માં થઈ ઓલ ઈન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સની શરૂઆત
ઓલ ઈન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સની શરૂઆત 1921માં થઈ હતી. આ વર્ષ પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના શતાબ્દી વર્ષ તરીકે પણ ઉજવવામાં આવી રહ્યું છે. શતાબ્દી વર્ષ નિમિત્તે 25-26 નવેમ્બરના રોજ ગુજરાતના કેવડિયામાં બે દિવસીય સંમેલન યોજવામાં આવી રહ્યું છે. આ વર્ષની કોન્ફરન્સ માટેની થીમ છે “સબળ લોકશાહી માટે વિધાયિકા- કાર્યપાલિકા તથા ન્યાયપાલિકાના આદર્શનો સમન્વય.”
કોન્ફરન્સનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યું
આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન 25 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યું હતું. કોન્ફરન્સમાં ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુ, લોકસભાના અધ્યક્ષ અને સંમેલનના અધ્યક્ષ ઓમ બિરલા, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.