ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીએ 'ગતિ શક્તિ માસ્ટર પ્લાન' નું લોકાર્પણ કર્યું, જાણો શું છે આ રાષ્ટ્રીય યોજના...

વડાપ્રધાન મોદી (PM Modi) આજે બુધવારે 'ગતિ શક્તિ માસ્ટર પ્લાન'(Speed power master plan) લોન્ચ કર્યો હતો. સરકારનો દાવો છે કે આ પહેલ બાદ, વિકાસ પ્રોજેક્ટ્સના કાર્યમાં ગતિ આવશે. યોજનાઓ સમયસર પૂર્ણ કરવાની સાથે ખર્ચ પણ ઓછો થશે. આખરે, આ ગતિ શક્તિ માસ્ટર પ્લાન શું છે, ચાલો તેના વિશે જાણીએ....

વડાપ્રધાન મોદીએ 'ગતિ શક્તિ માસ્ટર પ્લાન' લોકાર્પણ કર્યું, જાણો શું છે આ રાષ્ટ્રીય યોજના...
વડાપ્રધાન મોદીએ 'ગતિ શક્તિ માસ્ટર પ્લાન' લોકાર્પણ કર્યું, જાણો શું છે આ રાષ્ટ્રીય યોજના...

By

Published : Oct 13, 2021, 9:16 AM IST

Updated : Oct 13, 2021, 11:49 AM IST

  • વિકાસની ગતિને ઝડપી બનાવવાનો સરકારનો દાવો
  • 15 મી ઓગસ્ટે વડાપ્રધાને લાલ કિલ્લા પરથી કરી હતી જાહેરાત
  • આખરે શું છે આ રાષ્ટ્રીય યોજના અને શું થશે ફાયદો તેના પર થોડી નજર...

હૈદરાબાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારે 'ગતિ શક્તિ માસ્ટર પ્લાન' નું ઉદ્ઘાટન કર્યું હતું, ત્યારે આ ગતિ શક્તિ યોજના શું છે, જેના દ્વારા સરકાર વિકાસની ગતિને ઝડપી બનાવવાનો દાવો કરી રહી છે.

શું છે માસ્ટર પ્લાન?

આ વખતે 15 મી ઓગસ્ટ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી આ યોજનાની જાહેરાત કરી હતી. ગતિ શક્તિ યોજના, રેલ અને માર્ગ સહિત 16 મંત્રાલયોને જોડવા માટે એક ડિજિટલ પ્લેટફોર્મ છે. આ યોજનાનો ઉદ્દેશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું સંકલિત આયોજન અને મંત્રાલયો વચ્ચે સંકલનને પ્રોત્સાહન આપવાનું છે. આ યોજનાના માધ્યમથી આશરે 100 લાખ કરોડ રૂપિયાના માળખાગત પ્રોજેક્ટ્સના વિકાસને વેગ મળશે.

આ યોજના અંતર્ગત 16 મંત્રાલયો અને વિભાગોએ તે તમામ પ્રોજેક્ટ્સને Geographic information system (GIS) મોડમાં મૂક્યા છે, જે 2024-25 સુધીમાં પૂર્ણ થવાના છે. આ એક પ્રકારનો રાષ્ટ્રીય માસ્ટરપ્લાન હશે.

વધુ સારા સંકલન માટે

આ પ્રોજેક્ટ હેઠળ હવે મહત્વના ઇન્ફ્રા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સનું કામ સામાન્ય ટેન્ડરિંગ દ્વારા કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, ગ્રીનફિલ્ડ રોડ, રેલ, ઓપ્ટિકલ ફાઈબર, ગેસ પાઈપલાઈન, વીજળીકરણ માટે એક જ ટેન્ડર બહાર પાડવામાં આવશે, જેથી કેન્દ્ર અને રાજ્યોની વિવિધ એજન્સીઓ અને સ્થાનિક ઓથોરિટી તેમજ ખાનગી ક્ષેત્ર વધુ સારી રીતે સંકલનમાં કામ કરી શકે.

આ યોજનાનો ઉદ્દેશ દેશમાં પ્રવર્તમાન અને ભવિષ્યના માળખાકીય પ્રોજેક્ટ્સમાં વેગ આપવા અને ખર્ચ ઘટાડવાનો છે. હાલમાં, એક મંત્રાલય દેશમાં રોડ બનાવે છે, જ્યારે બીજું પાઇપ અને કેબલ નાખવા માટેનો માર્ગ ખોદે છે. તેના કારણે સમયની સાથે સાથે પૈસાનો પણ બગાડ થાય છે, સામાન્ય લોકોને વિવિધ સમસ્યાઓ થાય છે. સમાન કારણોસર કરોડોના પ્રોજેક્ટ બાકી રહે છે. આ યોજના મદદરૂપ સાબિત થઈ શકે છે, કારણ કે વિવિધ મંત્રાલયો વચ્ચે સંકલનનો અભાવ રહેશે નહીં.

16 મંત્રાલયો એક મંચ પર

મંત્રાલયો વચ્ચે વધુ સારા સંકલન માટે, રેલવે, રોડ હાઇવે, પેટ્રોલિયમ, ટેલિકોમ, નાગરિક ઉડ્ડયન અને ઔદ્યોગિક સહિત 16 મંત્રાલયોને એક જ મંચ પર લાવવામાં આવ્યા છે. આ મંત્રાલયોના જે પણ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને 2024-25 સુધીમાં પૂર્ણ થવાના છે, તે ગતિ શક્તિ હેઠળ પૂર્ણ થશે. રાજ્યો પાસે આ સામાન્ય ટેન્ડરિંગનો ભાગ બનવાનો વિકલ્પ પણ હશે. આ પહેલ નિયત બજેટમાં આ તમામ 16 મંત્રાલયોના પ્રોજેક્ટ્સને સમયસર પૂર્ણ કરવામાં મદદ કરશે.

ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર સંવર્ધન વિભાગ (DPIIT) તમામ પ્રોજેક્ટ્સના મોનિટરિંગ અને અમલીકરણ માટે નોડલ મંત્રાલય હશે. નેશનલ પ્લાનિંગ ગ્રુપ પરિયોજનાઓનો હિસાબ લેવા માટે નિયમિત રીતે બેઠક કરશે. કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં સચિવોનું એક અધિકૃત જૂથ રચવામાં આવશે, જે કોઈપણ નવી જરૂરિયાતોને પહોંચી વળવા માસ્ટર પ્લાનમાં કોઈપણ ફેરફારને મંજૂરી આપશે.

સેટેલાઇટથી નજર રાખવામાં આવશે

આવા તમામ પ્રોજેક્ટને આ નેશનલ માસ્ટર પ્લાન હેઠળ લાવવામાં આવશે. તેમાં તમામ 16 મંત્રાલયોના સચિવ સ્તરના અધિકારીઓ અને નિષ્ણાતો હશે. જે સેટેલાઇટમાંથી લેવામાં આવેલી 3D તસવીરો દ્વારા યોજનાઓનું મૂલ્યાંકન કરશે. ઉદાહરણ તરીકે, જો રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવામાં આવે, તો 3D તસવીરો દ્વારા રસ્તો ક્યાંથી પસાર થશે, વચ્ચે શું અવરોધો આવશે, જંગલ, જળ સ્ત્રોત અથવા અન્ય વસ્તુઓ ટાળતી વખતે રસ્તો ક્યાં બનાવી શકાય તે સમગ્ર બાબત આ તસવીરોમાંથી નક્કી કરી શકાશે. વળી, જો અન્ય મંત્રાલયોએ પાઈપલાઈન, ગેસ પાઈપલાઈન વગેરે નાખવી હોય તો તે સમયસર તાલમેળ મેળવી શકાશે.

ખર્ચ અને સમય બન્ને ઓછા થશે

મંત્રાલયો વચ્ચે સંકલનના અભાવને કારણે, ઘણા પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ થતા નથી અને વર્ષો સુધી અટવાયેલા રહે છે. જેના કારણે માત્ર સમય જ બગડતો નથી, પ્રોજેક્ટનો ખર્ચ પણ વધે છે. ઘણા પ્રોજેક્ટ્સનું બજેટ ડબલ અથવા ત્રણ ગણુ થઈ જાય છે, પરંતુ એક વખત ગતિ શક્તિ માસ્ટર પ્લાન યોજના શરૂ થયા બાદ, પ્રોજેક્ટ સમયસર હાથ ધરવામાં આવશે. આ માટે મંત્રાલયો વચ્ચે સંકલન અગાઉથી નક્કી કરવાનું રહેશે.

આ યોજનાનો લાભ તે રોકાણકારોને પણ આપવામાં આવશે જેઓ આ મંત્રાલયો હેઠળના કોઈપણ પ્રોજેક્ટમાં રોકાણ કરી રહ્યા છે. પ્રોજેક્ટ અટકી જવાથી રોકાણકારો પણ ચિંતિત છે. ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ અંતર્ગત ઓછા ખર્ચ અને પ્રોજેક્ટ પર લેવાયેલા સમયને લગતા આ પગલાથી રોકાણકારોને પણ ફાયદો થશે.

રાજ્યોને સમાવવાની યોજના

તમામ રાજ્યોને પણ આ યોજના હેઠળ ભાગ લેવા વિનંતી કરવામાં આવી છે. જેથી તે દેશભરમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સને સમયસર પૂર્ણ કરવામાં મદદ કરશે. એક મંચ પર 16 મંત્રાલયોના પ્રોજેક્ટ્સ રાખવાથી ભવિષ્યમાં વધુ સારા પરિણામો મળશે. આ આંકડો પાછળથી ખાનગી ક્ષેત્રને પણ આપી શકાય છે. રસ્તા, રેલવે, ટેલિકમ્યુનિકેશન, તેલ અને ગેસ જેવા મંત્રાલયોના પ્રોજેક્ટ પણ આ પ્લેટફોર્મ પર છે, જેમાં ભારત સરકારે તાજેતરમાં ખાનગી ક્ષેત્રના રોકાણ માટે રાષ્ટ્રીય નાણાકીય પાઇપલાઇન યોજનાની જાહેરાત કરી હતી.

આનો ફાયદો શું છે ?

મંત્રાલયો વચ્ચે સમન્વય અને પ્રોજેક્ટ્સને સમયસર પૂર્ણ કરવા ઉપરાંત, આ પ્લેટફોર્મ ઉદ્યોગોની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરશે. સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા સાથે, તે ઉદ્યોગની સ્પર્ધાત્મકતામાં વધારો કરશે. નેશનલ પાઇપલાઇન યોજના હેઠળ ખાનગી રોકાણ તરફ જોનારી સરકાર આ પ્રોજેક્ટની મદદથી સમયસર પ્રોજેક્ટ પૂરા કરીને રોકાણકારોને તેની તરફ આકર્ષિત કરી શકે છે. વડાપ્રધાન મોદીએ 15 ઓગસ્ટે કહ્યું હતું કે, આ પ્રોજેક્ટની મદદથી દેશમાં વિકાસ પ્રોજેક્ટ્સની ગતિ વધશે. આ સાથે, આ પહેલ દેશમાં રોજગારીની તકો પણ ઉભી કરશે.

Last Updated : Oct 13, 2021, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details