નવી દિલ્હી :બજેટ બાદ પ્રથમ વેબિનારને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે 2014થી અમારી સરકાર કોઇને કોઇ એક પેટર્ન પર બજેટ રજૂ કરતી રહી છે. પીએમેે એ પણ કહ્યું કે અમારી સરકારના દરેક બજેટમાં વર્તમાન પડકારોના ઉકેલ અને નવા સમાજની સુધારણાને આગળ ધપાવવામાં આવી છે.
પીએમ મોદીએ કરી જોડાવાની અપીલ : ગ્રીન ગ્રોથ વેબિનારમાં વડાપ્રધાને રજૂ કરેલા મુદ્દાઓમાં ઊર્જા ક્ષેત્ર અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપનારાઓને વેબિનારમાં જોડાવા વિનંતી કરી હતી. યુનિયન બજેટ 2023માં જાહેર કરાયેલી યોજનાલક્ષી પહેલોના અસરકારક અમલ માટે દિશાસૂચક વિચારો અને સૂચનો મેળવવા માટે સરકાર દ્વારા આયોજિત 12 પોસ્ટ બજેટ વેબિનારની શ્રેણી યોજાશે જેમાં આજનો વેબિનાર પ્રથમ કડી હતી.
આ પણ વાંચો Delhi News: પ્રથમ વખત ગૃહની કાર્યવાહી આખી રાત ચાલી, ભાજપ અને આપના કાઉન્સિલરો વચ્ચે ઝપાઝપી
વેબિનારમાં 6 સત્ર :આપને જણાવીએ કે વેબિનાર શ્રેણીમાં વેબિનારમાં ગ્રીન ડેવલપમેન્ટના ઊર્જા અને બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતના પાસાંઓને આવરી લેતા 6 બ્રેકઆઉટ સત્રો હશે. કેન્દ્રીય ઊર્જા મંત્રાલય આ વેબિનારનું મુખ્ય મંત્રાલય છે. ગ્રીન ડેવલપમેન્ટ એ કેન્દ્રીય બજેટ 2023-24ની સાત ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે. ગ્રીન ગ્રોથ દેશના હરિયાળા ઔદ્યોગિક અને આર્થિક પરિવર્તન, પર્યાવરણને અનુકૂળ કૃષિ અને ટકાઉ ઊર્જાની રજૂઆત માટે છે. તે મોટી સંખ્યામાં પર્યાવરણીય સુરક્ષાને ધ્યાને રાખતી ગ્રીન જોબ પણ પેદા કરશે.
બજેટમાં આવરી લીધેલા વિવિધ ક્ષેત્ર : યુનિયન બજેટમાં ગ્રીન હાઇડ્રોજન મિશન એનર્જી ટ્રાન્ઝિશન એનર્જી સ્ટોરેજ પ્રોજેક્ટ, રિન્યુએબલ એનર્જી એક્સટ્રેક્શન ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ પીએમ પ્રણામ યોજના, ગોવર્ધન યોજના, ભારતીય પદ્ધતિની કુદરતી ખેતી અને બાયોટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રો અને કેન્દ્ર સરકારના વિવિધ ખાતાઓમાંના સંખ્યાબંધ પ્રોજેક્ટ અને નવી સંકલ્પનાઓ રજૂ કરવામાં આવી છે. તેમ જ ઇનપુટ પ્રોસેસિંગ સેન્ટર, મિષ્ટી, અમૃત ધરોહર, કોસ્ટલ શિપિંગ અને વ્હીકલ રિપ્લેસમેન્ટનો સમાવેશ થયેલો છે.
આ પણ વાંચો Chardham Yatra 2023: ચારધામ યાત્રા માટે સરકાર કરી રહી છે જોરદાર તૈયારીઓ, વિપક્ષનો જોરદાર વિરોધ
ખાનગી ક્ષેત્ર માટેની મોટી તકો જણાવી :દેશના અર્થતંત્રમાં પુનઃપ્રાપ્ય ઊર્જાક્ષમતા વધારવાની દિશામાં ઝડપથી કામ થઇ રહ્યું હોવાનું જણાવતાં પીએમ મોદીએ કહ્યું હતું કે અમે પુનઃપ્રાપ્ય ઊર્જા સંસાધનો અંગે 2014માં જે લક્ષ્ય નિર્ધારિત કર્યું હતુું તે સમય પહેલા પૂરું થઈ ગયું છે. ઉપલબ્ધ વીજળી ક્ષમતામાં 40 ટકા જેટલી બિનઅશ્મિભૂત ઇંધણ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય 9 વર્ષ અગાઉ હાંસલ કર્યું હતું તો પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય અમે 5 મહિના પહેલાં મેળવી લીધું છે.
ઇથેનોલ માટે નવું લક્ષ્ય નિર્ધારિત : હવે 2030થી 2026 સુધીમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. અમારી સરકાર 2030 સુધીમાં 500 ગીગાવોટ બિનઅશ્મિભૂત આધારિત વીજળી પ્રાપ્યતા મેળવશે. દેશમાં બાયો ફ્યુઅલના ઉપયોગ પર ભાર આપવામાં આવી રહ્યો છે. તે તમામ રોકાણકારો માટે મોટી તક લાવી છે. થોડાસમય પહેલાંં E20 ફ્યુઅલ લોન્ચ થઇ ગયું છે. ભારતમાં એગ્રી વેસ્ટની તંગી નથી ત્યારે રોકાણકારોએ મોટી સંખ્યામાં ઇથેનોલ પ્લાન્ટ સ્થાપવાની તક ઝડપી લેવી જોઇએ.ભારતમાં સૌર ઊર્જા, પવન ઊર્જા અને બાયો ગેસની ઉપલબ્ધતા દેશના ખાનગી ક્ષેત્ર માટે સોનાની ખાણ કે તેલ ક્ષેત્ર જેવા મૂલ્યથી જરાય ઉતરતી વાત નથી. પીએમ મોદીએ આ સાથે ખાનગી ક્ષેત્રને રોકાણ માટે પ્રોત્સાહિત કરતી વિગતો પણ પોતાના સંબોધનમાં જણાવી હતી.