મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મુંબઈ અને નવી મુંબઈને જોડતા દેશના સૌથી લાંબા સમુદ્ર પુલ અટલ સેતુનું ઉદ્દઘાટન કર્યુ હતું. તેમણે કહ્યું કે, આ પરિયોજના પૂર્ણ થવી એ મોદીની એક ગેરંટી છે. મહારાષ્ટ્રના એક દિવસીય પ્રવાસે વડા પ્રધાન મોદી આવ્યા હતા. તેમણે 17,840 કરોડના ખર્ચે તૈયાર થયેલ અટલ સેતુનું ઉદ્દઘાટન કર્યુ હતું. દક્ષિણ મુંબઈને નવી મુંબઈમાં ન્હાવા-શેવા સાથે જોડતો આ પુલ દેશનો સૌથી લાંબો પુલ છે.
6 લેન ટ્રાન્સ હાર્બર 21.8 કિમી લાંબો જ્યારે સી-લિંક પુલ 16.5 કિમી લાંબો છે. વર્ષ 2016માં વડા પ્રધાન મોદીએ આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યુ હતું. મોદીએ રાયગઢ જિલ્લાના પનવેલમાં એક જનસભામાં કહ્યું હતું કે જ્યારે હું 24 ડિસેમ્બર 20216ના આ પુલનું ખાતમુહૂર્ત કરવા આવ્યો ત્યારે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. જો કે મેં તે વખતે નક્કી કર્યુ હતું કે દેશ બદલશે. કોવિડ-19ની મહામારીના પડકારો છતાં પણ સમુદ્રી પુલનું કામ પૂર્ણ થયું તે મહત્વનું છે.
તેમણે કહ્યું કે, જનતા ત્રાસી ગઈ હતી. આ વિશાળ પરિયોજનાના વિલંબથી. જનતાએ સમયસર આ પરિયોજનાઓ પૂર્ણ થવાની આશા છોડી દીધી હતી. જો કે મોદીની ગેરંટી છે કે દેશ બદલશે. વર્ષ 2014 પહેલા મોટા મોટા કૌભાંડોની ચર્ચા થતી હતી. હવે 10 વર્ષ બાદ મોટી મોટી પરિયોજનાઓ પૂર્ણ થવાની ચર્ચા થાય છે. વડા પ્રધાને કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં સપના હકીકતનું સ્વરુપ લઈ રહ્યા છે. સમુદ્રી પુલ વિક્સિત ભારતનું પ્રતિબિંબ છે. આ ભારતની માળખાગત શક્તિ અને વિક્સિત રાષ્ટ્ર બનવાની દિશામાં દેશને આગળ લઈ જશે.
તેમણે કહ્યું કે, આગામી પરિયોજના નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈમાં તટીય માર્ગ, એયુઆરઆઈસી, મુંબઈ દિલ્હી ઔદ્યોગિક કોરિડોર અને બુલેટ ટ્રેન આવનારા વર્ષોમાં મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થાને વેગ આપશે. તેમણે કહ્યું કે, હું જાપાનની સરકારને ધન્યવાદ પાઠવું છું તેમજ જાપાની પીએમ શિંજો આબેને યાદ કરું છું. અમે બંનેએ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પરિયોજનાને પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો હતો. કાર્યક્રમ સ્થળેથી વડા પ્રધાને ખાર રોડ અને ગોરેગાવ રેલવે સ્ટેશનો વચ્ચે 6ઠ્ઠી લાઈનનું ઉદ્દઘાટન પણ કર્યુ.
- PM Modi Maharashtra Visit: વડાપ્રધાન મોદીએ નાસિકમાં કર્યો રોડ શૉ, કાલારામ મંદિરમાં કરી પૂજા અર્ચના
- Atal Bihari Vajpayee 99th Birth Anniversary: રાષ્ટ્રપતિ મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ, PM મોદી અને અન્ય મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ આપી