- પુડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ વડાપ્રધાનની પ્રથમ મુલાકાત
- તાજેતરમાં જ કોંગ્રેસની સરકાર વિશ્વાસ મત ન મેળવી શક્તા પડી ગઈ હતી
- કોંગ્રેસ દ્વારા ઉપરાજ્યપાલ કિરણ બેદીનો વિરોધ કરાતા તેમની હકાલપટ્ટી કરાઈ હતી
વડાપ્રધાન મોદી આજે પુડુચેરીમાં જાહેર સભા યોજશે, વિકાસ કાર્યોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
પુડ્ડુચેરીના ભાજપ પ્રમુખ સ્વામિનાથને જણાવ્યું કે, વડાપ્રધાન મોદીનું હેલિકોપ્ટર સવારે 10:30 વાગ્યે પુડુચેરીમાં ઉતરશે. ત્યારબાદ તે JIPMER જશે. જ્યાં તેઓ કેન્દ્ર સરકારના એક કાર્યક્રમમાં ભાગ લેશે. આ પછી, જાહેર સભામાં પહોંચશે. છેલ્લા ત્રણ વર્ષમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં વડાપ્રધાન મોદીની આ બીજી મુલાકાત હશે.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે પુડુચેરીમાં અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે અને કેટલાકનો શિલાન્યાસ પણ કરશે. આ સાથે તેઓ ભાજપની જાહેર સભાને સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનની મુલાકાત એવા સમયે આવી છે, જ્યારે પુડુચેરીમાં રાજકીય સંકટને પગલે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે.
વડાપ્રધાન મોદીની મુલાકાતને લઈને શાળા-કોલેજોમાં રજા
આ અગાઉ તેમણે 2018માં પુડુચેરીની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન મોદીની આ મુલાકાત એટલા માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે રાજ્યમાં વર્ષ 2016થી કોંગ્રેસના વી નારાયણસામીની સરકાર સોમવારે લઘુમતીમાં ગયા પછી પડી ગઈ હતી. જેના બીજા જ દિવસે મુખ્યપ્રધાન સહિત કેબિનેટે રાજીનામું આપી દીધું હતું. પુડ્ડુચેરી શિક્ષણ વિભાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને તમામ ખાનગી અને સરકારી શાળાઓમાં રજા જાહેર કરી છે, જેથી કરીને વડાપ્રધાનની મુલાકાત દરમિયાન ટ્રાફિકને લઈને કોઈ સમસ્યા ન આવે.
પુડ્ડુચેરીનું રાજકીય સંકટ
જણાવી દઇએ કે, પુડુચેરીમાં છેલ્લા ઘણા દિવસોથી રાજકીય સંકટ ચાલી રહ્યું છે. બુધવારે પુડુચેરીમાં કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું છે. ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર પડી ગયા બાદ કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રપતિ શાસન લાદવાના નિર્ણયને મંજૂરી આપી હતી. આ અઠવાડિયાની શરૂઆતમાં, કોંગ્રેસની નારાયણસામી સરકાર વિશ્વાસ મત ન મેળવી શક્તા પડી ગઈ હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિધાનસભામાં વિશ્વાસ મત ગુમાવ્યાના એક દિવસ પછી પુડ્ડુચેરીના મુખ્યપ્રધાન વી નારાયણસામી અને તેમની મંત્રી પરિષદનું રાજીનામું સ્વીકાર્યું હતું.