બાલાસોર:વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના બાલાસોરમાં દુર્ઘટના સ્થળે પહોંચી ગયા છે. PM મોદી વાયુસેનાના હેલિકોપ્ટરમાં બાલાસોર જિલ્લાના બહાનાગા બજાર સ્ટેશનની નજીક પહોંચ્યા હતા. અહીં તેમણે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
ઈજાગ્રસ્તો સાથે કરી મુલાકાત: ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યા બાદ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને મળવા બાલાસોર જિલ્લા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. આ પછી પીએમ મોદી કટકની એસસીબી હોસ્પિટલની મુલાકાત લીધી અને ઈજાગ્રસ્તોના હાલ પુછ્યા.
ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી:ઓડિશામાં દુર્ઘટના બાદ વંદે ભારત કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. આ પહેલા પીએમ મોદીએ શુક્રવારે સાંજે થયેલી ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરી હતી. ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે ભયાનક ટ્રેન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને શનિવારે એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો હતો. જેમાં 280 લોકો માર્યા ગયા હતા અને 900 જેટલા ઘાયલ થયા હતા.
ઘટનાની થશે ઉચ્ચ સ્તરીય તપાસ: રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે શનિવારે સવારે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને જાહેરાત કરી હતી કે વિગતવાર ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવશે અને રેલવે સુરક્ષા કમિશનર દ્વારા સ્વતંત્ર તપાસ હાથ ધરવામાં આવશે. દુર્ઘટના સ્થળે મીડિયા સાથે વાત કરતા વૈષ્ણવે કહ્યું કે, અમારું ધ્યાન બચાવ અને રાહત કામગીરી પર છે. જિલ્લા વહીવટીતંત્ર તરફથી મંજૂરી મળ્યા બાદ આ રૂટ પર રેલ સેવા પુનઃસ્થાપિત કરવાનું શરૂ થશે. વિગતવાર ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવશે અને કમિશનર ઓફ રેલ્વે સેફ્ટી પણ સ્વતંત્ર તપાસ કરશે.
ભારતમાં સૌથી ભયંકર ઘટનાઓમાંની એક: આ અકસ્માત, તાજેતરના સમયમાં ભારતમાં સૌથી ભયંકર ઘટનાઓમાંની એક છે, જેમાં બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ અને એક માલસામાન ટ્રેન સામેલ છે. ઓડિશાના વિશેષ રાહત કમિશનરના તાજેતરના અહેવાલને ટાંકીને મુખ્ય સચિવ પીકે જેનાએ જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા 238 છે, જ્યારે કોલકાતાથી લગભગ 250 કિમી દક્ષિણમાં બાલાસોર જિલ્લાના બહાનાગા બજાર સ્ટેશન નજીક સર્જાયેલા અકસ્માતમાં લગભગ 900 લોકો ઘાયલ થયા છે.
પીએમ મોદીએ આપ્યું આશ્વાસન:વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે ફોન પર વાત કરી હતી અને અકસ્માત સ્થળની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. પીએમ મોદીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા આ જાણકારી આપી છે. પીએમએ ટ્વીટમાં લખ્યું કે, 'તે એક દુર્ભાગ્યપૂર્ણ ટ્રેન અકસ્માત હતો, જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. આનાથી ઘણું નુકસાન થયું છે'. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ આ દુર્ઘટનાથી દુઃખી છે. મારી સંવેદના એ પરિવારો સાથે છે, જેમના પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. આ સાથે પીએમ મોદીએ ઈજાગ્રસ્તના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે. આ સાથે પીએમએ પીડિતોને તમામ શક્ય મદદ પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું છે. હાલ અકસ્માત સ્થળે રાહત કાર્ય ચાલી રહ્યું છે.
- Major train accidents: દેશમાં અત્યાર સુધીના મુખ્ય ટ્રેન અકસ્માતો પર એક નજર
- Odisha Train Accident: CM પટનાયકે ઓડિશામાં એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો
- Odisha train accident: પીડિતોને તમામ શક્ય મદદ કરવામાં આવશે, રાજનેતાઓએ રેલ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું