- હોટલ વિલાર્ડ ઇન્ટરકોન્ટિનેન્ટલ ખાતે ભારતીયો દ્વારા ભવ્ય સ્વાગત
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ વૈશ્વિક કંપનીઓના CEOને મળશે
- વડાપ્રધાને ક્વાલકોમના CEO ક્રિસ્ટિયાનો આર એમોન સાથે કરી મુલાકાત
ન્યૂઝ ડેસ્ક : અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે વોશિંગ્ટન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતીય સમુદાયના લોકોએ ઉષ્માભેર આવકાર્યા હતા. મોદી એરપોર્ટ પર વોશિંગ્ટન ડીસીમાં હોટલ વિલાર્ડ ઇન્ટરકોન્ટિનેન્ટલ પહોંચ્યા હતા, જ્યાં ભારતીય મહિલાઓએ તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન, જ્યારે મહિલાઓએ વડાપ્રધાન મોદીને પૂછ્યું 'કેમ છો' ત્યારે પ્રતિઉત્તરમાં વડાપ્રધાને પણ તેમને 'કેમ છો' પૂછ્યું હતું, ત્યારે તમામ મહિલાઓએ હસીને કહ્યું - મજા છે. આ બાદ વડાપ્રધાન મોદી હોટલમાં ચાલ્યા ગયા હતા.
અમેરિકા પહોંચેલા PM એ કહ્યું- હું ભારતીય સમુદાયનો આભારી છું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે વોશિંગ્ટન પહોંચ્યા હતા. એરપોર્ટ પહોંચ્યા બાદ ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કેટલીક તસવીરો શેર કરતા વડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે, "વોશિંગ્ટન ડીસીમાં ભારતીય સમુદાયના ઉષ્માભર્યા સ્વાગત માટે ધન્યવાદ. અમારા પ્રવાસી અમારી તાકાત છે. તે પ્રશંસનીય છે કે કેવી રીતે ભારતીય લોકોએ પોતાની જાતને વિશ્વભરમાં પ્રતિષ્ઠિત કરી છે.
ક્વાલકોમના CEOની વડાપ્રધાન મોદી સાથે મુલાકાત
ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ વૈશ્વિક CEOને મળી રહ્યા છે. પહેલી મુલાકાત ક્વાલકોમના CEO ક્રિસ્ટિયાનો આર એમોન સાથે કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ક્વાલકોમના CEOએ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ ભારત દ્વારા આપવામાં આવેલી વિશાળ તકો વિશે માહિતગાર કર્યા હતા. આ દરમિયાન CEO એમોને ભારત સાથે 5G અને અન્ય ક્ષેત્રોમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
PMની એડોબ ચેરમેન સાથે સ્ટાર્ટ અપ ક્ષેત્રની ચર્ચા
વડાપ્રધાને એડોબ ચેરમેન શાંતનુ નારાયણ સાથે વોશિંગ્ટન ડીસીમાં મુલાકાત કરી હતી. શાંતનુ નારાયણ ભારતીય મૂળના છે અને તેમની સાથે વડાપ્રધાન મોદીની મુલાકાત ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. તે આઇટી ક્ષેત્રની ખુબ મોટી કંપની છે, જે ભારતના ડિજિટલ ઇન્ડિયા મિશનને મજબૂત કરવા માટે નોંધપાત્ર યોગદાન આપી શકે છે. કંપની નોઇડા, ગુરુગ્રામ અને બેંગ્લોરથી ભારતમાં તેનું સંચાલન કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંતનુ નારાયણ ચેરમેન, એડોબ સાથે યુવાનોને સ્માર્ટ શિક્ષણ આપવા અને સંશોધન વધારવા માટે ટેકનોલોજીના મહત્વ પર ચર્ચા કરી હતી. તેમણે ભારતીય યુવાનો દ્વારા સંચાલિત સ્ટાર્ટ અપ ક્ષેત્રની પણ ચર્ચા કરી: પ્રધાનમંત્રી કાર્યાલય