નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા ઉઝબેકિસ્તાન પહોંચી ગયા છે.(PM Modi Reaches Uzbekistan For SCO Summit) આ બેઠક ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાશે. વડાપ્રધાનના પ્રસ્થાન પહેલા, ભારતે જણાવ્યું હતું કે, આ બેઠકમાં વેપાર, કનેક્ટિવિટી, પ્રાદેશિક સહયોગ સહિતના સળગતા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ પત્રકારોને જણાવ્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્જિયોયેવના આમંત્રણ પર SCOની કાઉન્સિલ ઑફ હેડ ઑફ સ્ટેટની 22મી બેઠકમાં ભાગ લેવા ગુરુવારે સમરકંદ પહોંચશે.(SCO summit 2022 in samarkand )
વડા પ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની બેઠકની સંભાવના વિશે પૂછવામાં આવતા ક્વાત્રાએ માત્ર એટલું જ કહ્યું કે, જેમ જેમ SCO બેઠક આગળ વધશે તેમ તેઓ વડા પ્રધાનના કાર્યક્રમો વિશે માહિતી આપશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી SCO સમિટની બાજુમાં ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ અને કેટલાક અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. ક્વાત્રાએ કહ્યું, "અમે SCO સમિટમાં સંબંધિત મુદ્દાઓ, વેપાર, કનેક્ટિવિટી અને પ્રાદેશિક સહયોગ પર ચર્ચા કરવા આતુર છીએ."
તેમણે આગળ કહ્યું કે, SCOમાં ભારતના હિતો પ્રાદેશિક મુદ્દાઓ સાથે જોડાયેલા છે, જેમાં સભ્ય દેશો સાથે સહયોગ મુખ્ય છે. આ સહયોગમાં આર્થિક સહયોગ, સુરક્ષા સહયોગ, પ્રાદેશિક સુરક્ષા પર ચર્ચા વગેરેનો સમાવેશ થાય છે. ક્વાત્રાએ કહ્યું કે, આવી સ્થિતિમાં ભારત તેને કોઈ એક દેશની નહીં પણ પ્રાદેશિક સહયોગની કેન્દ્રિયતા તરીકે જુએ છે. તેમણે કહ્યું, 'આ રીતે (ભારતનું) સ્ટેન્ડ પોતાનામાં જ સંપૂર્ણ છે. કોઈ ત્રીજા દેશના પરિપ્રેક્ષ્યમાં તેનું મૂલ્યાંકન કરવામાં આવતું નથી.