નવી દિલ્હી: નવા ટેકનોલોજીકલ યુગની શરૂઆત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં પ્રગતિ મેદાન ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી તેમણે 5G સેવાઓ શરૂ કરી હતી. આ દરમિયાન રિલાયન્સ જિયો વતી આઈટી પ્રધાન અશ્વની વૈષ્ણવ, મુકેશ અંબાણી, એરટેલના સુનીલ મિત્તલ અને વોડાફોનના કુમાર મંગલમ બિરલા પણ હાજર હતા. Jio અને Airtel ભારતમાં 5G સેવાઓ શરૂ કરનાર પ્રથમ કંપનીઓ હશે. શરૂઆતમાં, 5G સેવા ફક્ત પસંદગીના શહેરોમાં જ ઉપલબ્ધ થશે, જે આગામી વર્ષ સુધી વિસ્તારવામાં આવશે.
5Gની સેવાઓ થઇ શરુ આ પ્રસંગે કેન્દ્રીય સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 5G સેવાઓ શિક્ષણ, આરોગ્ય, કૃષિ, લોજિસ્ટિક્સ, બેન્કિંગ જેવા ઘણા ક્ષેત્રોમાં મૂળભૂત ફેરફારો લાવશે અને નવી શક્યતાઓનું સર્જન કરશે. ડિજિટલ ક્ષમતાઓને મધ્યમાં રાખીને, તેની આસપાસ નવી સેવાઓ બનાવવામાં આવશે.
અંબાણીનું નિવેદન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે અમે જે બતાવ્યું છે તેના પર અમને ખૂબ ગર્વ છે. હું COAI (સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા) અને DoT (ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ)ને ખાતરી આપવા માંગુ છું કે અમે આગેવાની લેવા તૈયાર છીએ. ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ હવે એશિયન મોબાઈલ કોંગ્રેસ અને ગ્લોબલ મોબાઈલ કોંગ્રેસ બનશે. તેમણે સબકા ડિજિટલ સાથ અને સબકા ડિજિટલ વિકાસનું સૂત્ર આપ્યું હતું. તેમણે કહ્યું કે 5G કનેક્ટિવિટી ટેક્નોલોજીની આગામી પેઢી છે. તેમણે કહ્યું કે મારી દ્રષ્ટિએ, આ એક મૂળભૂત ટેક્નોલોજી છે જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, રોબોટિક્સ, બ્લોકચેન અને મેટાવર્સ જેવી 21મી સદીની અન્ય ટેક્નોલોજીની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવાની શક્તિ આપે છે.
સુનિલ ભારતીનું નિવેદન ભારતી એન્ટરપ્રાઈઝના સ્થાપક અને અધ્યક્ષ સુનિલ ભારતી મિત્તલે કહ્યું કે, આ એક મહત્વપૂર્ણ દિવસ છે. એક નવો યુગ શરૂ થવાનો છે. આ શરૂઆત આઝાદીના 75માં વર્ષમાં થઈ રહી છે. દેશમાં એક નવી જાગૃતિ, ઉર્જાનો પ્રારંભ થશે. તેનાથી લોકો માટે ઘણી નવી તકો ખુલશે. તેમણે કહ્યું કે ગ્રામીણ ભારતને સૌથી વધુ ફાયદો થશે. તેમણે વડાપ્રધાન મોદીના વખાણ કરતા કહ્યું કે અમે ભાગ્યશાળી છીએ કે અમારી સાથે એવા વડાપ્રધાન છે જે ટેક્નોલોજીને સમજે અને અપનાવે. કોરોના મહામારી દરમિયાન ડિજિટલ ઈન્ડિયાના વિઝનથી ઘણી મદદ મળી.