ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે કેદારનાથના પ્રવાસે છે. જ્યાં તેમણે સૌપ્રથમ બાબ કેદારનાથના દર્શન કરીને આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
સૌપ્રથમ મંદિરમાં જઈને કર્યા બાબા કેદારના દર્શન
વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ સેનાના હેલિકોપ્ટર દ્વારા જોલીગ્રાન્ટ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ સીધા કેદારનાથ જવા રવાના થયા હતા. કેદારનાથ પહોંચ્યા બાદ તેમણે સૌપ્રથમ એક પ્રેઝન્ટેશન નિહાળ્યુ હતું. જ્યારબાદ તેઓએ કેદારનાથ મંદિરમાં પૂજા કર્યા બાદ આરતી ઉતારી હતી. આરતી ઉતાર્યા બાદ વડાપ્રધાને મંદિર પરિસરમાં સ્થાપવામાં આવેલી આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
શંકરાચાર્યની 12 ફૂટ લાંબી અને 35 ટન વજન ધરાવતી પ્રતિમા
કેદારનાથમાં શંકરાચાર્યની 12 ફૂટ લાંબી અને 35 ટન વજન ધરાવતી પ્રતિમા બનાવવામાં આવી છે. તેની કેટલીક વિશેષતાઓ...
1. પ્રતિમાના નિર્માણ માટે મૂર્તિકારો દ્વારા કુલ 18 જેટલા મોડલ તૈયાર કરવામાં આવ્યા હતા. તેમાંથી આ મોડલની પસંદગી કરવામાં આવી છે.
2. વડાપ્રધાનની સહમતિ બાદ આ મોડલની પસંદગી કરવામાં આવી છે.
3. કર્ણાટકના મૈસૂરના મૂર્તિકાર અરૂણ યોગીરાજે આ મૂર્તિ બનાવી છે. MBA સુધીનો અભ્યાસ કરનાર અરૂણની 5 પેઢીઓ આ કાર્ય સાથે સંકળાયેલી છે.
4. મૂર્તિ બનાવવાનું કામ સપ્ટેમ્બર 2020માં શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 9 મૂર્તિકારો સંકળાયેલા હતા.
5. આ મૂર્તિ પર લગભગ એક વર્ષ માટે કામ કરવામાં આવ્યું હતું અને આ વર્ષે સપ્ટેમ્બરમાં જ મૂર્તિને ચિનૂક હોલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરીને ઉત્તરાખંડ લાવવામાં આવી હતી. જ્યાં બ્લેક સ્ટોનથી આ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે.
6. આ મૂર્તિ બનાવવા માટે અંદાજે 130 ટન વજન ધરાવતી એક જ પ્રતિમાની પસંદગી કરવામાં આવી હતી. મૂર્તિ બન્યા બાદ તેનું વજન માત્ર 35 ટન જ રહ્યું હતું.
7. 12 ફૂટ ઉંચાઈ ધરાવતી આ મૂર્તિના નિર્માણ દરમિયાન નારિયેળ પાણીનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આદિ શંકરાચાર્યના તેજને પ્રસ્થાપિત કરે તેવી ચમક માટે આમ કરવામાં આવ્યું હતું.
8. બ્લેક સ્ટોન પર આગ, પાણી, વરસાદ કે હવાની કોઈ અસર પડતી નથી. જેના કારણે જ આ પથ્થરની પસંદગી કરવામાં આવી છે.
કેદારનાથમાં વડાપ્રધાન મોદીએ મંદિરમાં કરી પૂજા
કેદારનાથ ધામમાં 400 કરોડથી વધુના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ
વડાપ્રધાન મોદી ઉત્તરાખંડમાં 2013માં સર્જાયેલા જળપ્રલય દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલ શંકરાચાર્યના સમાધિ સ્થળના લોકાર્પણ સહિત કેદારનાથમાં 400 કરોડથી વધુ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરશે.