હૈદરાબાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદના પાટનચેરુમાં ઇન્ટરનેશનલ ક્રોપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર સેમી-એરિડ ટ્રોપિક્સ (ICRISAT) ની 50મી વર્ષગાંઠની ઉજવણીમાં હાજરી (PM Modi In ICRISAT )આપી હતી.આ સાથે ICRISAT નો વિશેષ લોગો પણ તેમણે લોન્ચ કર્યો હતો. તેમની સાથે તેલંગાણાના ગવર્નર તમિલિસાઈ સૌંદરરાજન (Telangana Governor Tamilisai Soundararajan ) અને કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમર પણ હતાં.
50 વર્ષની સફરને અભિનંદન આપી વધાવતાં પીએમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હૈદરાબાદના પાટનચેરુમાં ઇન્ટરનેશનલ ક્રોપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સેમી-એરીડ ટ્રોપિક્સ (ICRISAT) કેમ્પસમાં એક પ્રદર્શનની મુલાકાતે (PM Modi In ICRISAT )આવ્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે આજે વસંત પંચમીનો પવિત્ર તહેવાર છે. આજે આપણે જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરીએ છીએ. 50 વર્ષ એ ખૂબ જ મોટો સમય છે અને 50 વર્ષની આ સફરમાં જ્યારે જ્યારે જેણે જેણે જે જે પણ યોગદાન આપ્યું છે તે બધા અભિનંદનને પાત્ર છે. જેમણે આ કાર્યને આગળ વધારવા માટે પ્રયત્નો કર્યા છે તેમને પણ હું અભિનંદન આપું છું.
મુશ્કેલ પરિસ્થિતિઓમાં ખેતીને સરળ અને ટકાઉ બનાવી
પીએમે કહ્યું કે તમે બધા જે ક્ષેત્રમાં છો તેનો આધાર જ્ઞાન, વિજ્ઞાન, નવીનતા, શોધ છે, તેથી વસંત પંચમીના દિવસે આ પ્રસંગનું વિશેષ મહત્વ રહેશે. તેમણે કહ્યું કે તમારી પાસે (PM Modi In ICRISAT Hyderabad) 5 દાયકાનો અનુભવ છે. આ 5 દાયકામાં તમે ભારત સહિત વિશ્વના મોટા ભાગમાં કૃષિ ક્ષેત્રને મદદ કરી છે. તમારા સંશોધનો અને ટેકનોલોજીએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં ખેતીને સરળ અને ટકાઉ બનાવી છે. ભારતે આગામી 25 વર્ષ માટે નવા લક્ષ્યો નક્કી કર્યા હોવાથી તેના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. તેવી જ રીતે આગામી 25 વર્ષ ICRISAT માટે પણ એટલા જ મહત્વપૂર્ણ છે.
નાના ખેડૂતોને અમારી સૌથી વધુ જરુર: પીએમ મોદી
પીએમએ કહ્યું કે અમારું ધ્યાન દેશના 80 ટકાથી વધુ નાના ખેડૂતો પર છે જેમને અમારી સૌથી વધુ જરૂર છે. આ બજેટમાં પણ પ્રાકૃતિક ખેતી અને ડિજિટલ એગ્રીકલ્ચર પર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. ભારતમાં 80-85 ટકા ખેડૂતો નાના ખેડૂતો છે. આ નાના ખેડૂતો માટે હવામાન પરિવર્તન એક મોટી સમસ્યા બની જાય છે. ભારતે માત્ર 2070 સુધીમાં નેટ ઝીરોનું લક્ષ્ય નક્કી કર્યું નથી, પરંતુ 'પર્યાવરણ માટે જીવનશૈલી'ની જરૂરિયાતને પણ ઉજાગર કરી છે.