બેંગાલુરૂઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બેંગાલુરૂ સ્થિત ઈસરોની મુલાકત લીધી. વડાપ્રધાને અહીં ટેલીમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પલેક્ષમાં ચંદ્રયાન-3ના વૈજ્ઞાનિકોની સમગ્ર ટીમને ધન્યવાદ પાઠવ્યા. ખાસ કરીને ચંદ્રયાન-3 મિશન સાથે સંકળાયેલ મહિલા વૈજ્ઞાનિકોનું વડાપ્રધાન દ્વારા બહુમાન કરવામાં આવ્યું. વડાપ્રધાને આ મિશનના મહિલા વૈજ્ઞાનિકોના યોગદાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ચંદ્રયાન-3 મિશનની સફળતામાં મહિલા વૈજ્ઞાનિકોએ મહત્વની ભૂમિકા ભજવી છે.
આ કોઈ નાનીસૂની સિદ્ધિ નથીઃ વડાપ્રધાને ઈસરો અને ભારતને મળેલી આ સફળતા આવનારી પેઢીઓને વિજ્ઞાન પ્રત્યે ગંભીરતાથી વિચારવા પ્રેરણા આપશે તેવું કહ્યું. લોકોનું કલ્યાણ એ જ આપણી સર્વોચ્ચતમ પ્રતિબદ્ધતા છે. ચંદ્રયાન-3 મિશનની સફળતાએ દેશને એક નવી ઊંચાઈએ પહોંચાડી દીધો છે. આ કોઈ નાનીસૂની સિદ્ધિ નથી. બેંગાલુરૂના ઈસરો સેન્ટરમાં વડાપ્રધાને કહ્યું કે હવે ભારત ચંદ્ર પર છે. આ મિશન આપણા અંતરિક્ષ અનુસંધાન અને કાર્યક્રમની શક્તિને પ્રદર્શિત કરે છે. આપણે આપણા દેશના ગૌરવ એવા તિરંગાને પણ ચંદ્ર પર સ્થાપિત કર્યો છે.