- સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ સાથે PM મોદીએ કરી વાતચીત
- મધ્ય પ્રદેશના 1.70 લાખથી વધારે પરિવારોને મળ્યું છે પ્રોપર્ટી કાર્ડ
- વડાપ્રધાન મોદીએ પ્રોપર્ટી કાર્ડને ગણાવ્યું સમૃદ્ધિનું સાથી
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ વિડીયો કોન્ફરન્સ દ્વારા મધ્ય પ્રદેશના સ્વામિત્વ યોજના (Swamitva Yojana)ના લાભાર્થીઓ સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, "મધ્ય પ્રદેશના 3,000 ગામોના 1.70 લાખથી વધારે પરિવારોને મળેલું પ્રોપર્ટી કાર્ડ તેમની સમૃદ્ધિનું સાથી બનશે. આ લોકો ડિજી લોકરના માધ્યમથી પોતાના મોબાઇલ પર પોતાનું પ્રોપર્ટીકાર્ડ ડાઉનલોડ પણ કરી શકે છે."
22 લાખ પરિવારો માટે પ્રોપર્ટી કાર્ડ તૈયાર
PMએ કહ્યું કે, "આપણે ટીવી પર જોઇએ છીએ કે MP છે, તો ગજબ છે. MP ગજબ તો છે જ, MP દેશનું ગૌરવ પણ છે. MPમાં ગતિ પણ છે અને MPમાં વિકાસની ઉત્સુકતા પણ છે. લોકોના હિતમાં કોઈ યોજના બને છે તો મધ્ય પ્રદેશમાં એ યોજનાને જમીન પર ઉતારવા માટે દિવસ-રાત એક કરી દેવામાં આવે છે." તેમણે કહ્યું કે, "શરૂઆતના તબક્કાઓમાં સ્વામિત્વ યોજનાને મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, કર્ણાટક અને રાજસ્થાનના કેટલાક ગામોમાં લાગુ કરવામાં આવી હતી. આ રાજ્યોમાં ગામોમાં રહેનારા લગભગ 22 લાખ પરિવારો માટે પ્રોપર્ટી કાર્ડ તૈયાર થઈ ચૂક્યું છે."
કોરોનામાં ભારતના ગામડાઓએ એક લક્ષ્ય પર કામ કર્યું
પીએમ મોદીએ કહ્યું કે, "આપણે કોરોનાકાળમાં જોયું કે કેવી રીતે ભારતના ગામોએ મળીને એક લક્ષ્ય પર કામ કર્યું. ઘણી સતર્કતા સાથે આ મહામારીનો મુકાબલો કર્યો. બહારથી આવેલા લોકો માટે રહેવાની અલગ વ્યવસ્થા હોય, ભોજન અને કામની વ્યવસ્થા હોય, વેક્સિનેશનથી જોડાયેલા કામ હોય, ભારતના ગામડાઓ ઘણા આગળ રહ્યા."