સમરકંદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (Shanghai Cooperation Organisation) સમિટમાં ભાગ લેવા ઉઝબેકિસ્તાનના ઐતિહાસિક શહેર સમરકંદ પહોંચ્યા હતા. આ સમિટમાં પ્રાદેશિક સુરક્ષા પડકારો, વેપાર અને ઉર્જા પુરવઠો વધારવા સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં (SCO Summit) ઉઝબેકિસ્તાનના પ્રમુખ શૌકત મિર્ઝીયોયેવ સાથે મુલાકાત કરી.
SCO સમિટમાં કોણ ભાગ લેશે: બે વર્ષમાં પ્રથમ વખત SCO સમિટમાં (SCO summit 2022) નેતાઓની વ્યક્તિગત હાજરી જોવા મળશે. આઠ સભ્યોની SCOની સમિટમાં ભાગ લેવા માટે મોદી ગુરુવારે રાત્રે સમરકંદ પહોંચ્યા હતા. કોન્ફરન્સમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને મધ્ય એશિયાના દેશોના અન્ય નેતાઓ ભાગ લેશે.
સમરકંદમાં SCO સમિટ બે સત્રોમાં યોજાશે: એક મર્યાદિત સત્ર, જે ફક્ત SCO સભ્ય દેશો માટે છે, અને પછી એક વિસ્તૃત સત્ર, જેમાં નિરીક્ષક દેશ અને પ્રમુખ દેશના ખાસ આમંત્રિત નેતાઓની ભાગીદારી છે. મોદી શિખર સંમેલનની બાજુમાં કેટલીક દ્વિપક્ષીય બેઠકો પણ કરે તેવી અપેક્ષા છે. પુતિન અને ઉઝબેકના રાષ્ટ્રપતિ શવકત મિર્જિયોયેવ ઉપરાંત તેઓ ઈરાનના રાષ્ટ્રપતિ રઈસીને પણ મળવાના છે.
મોદીએ શું આપ્યું નિવેદન: મોદીએ સમરકંદ જતા પહેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'હું પ્રસંગોચિત, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરવા, એસસીઓનું વિસ્તરણ કરવા અને સંગઠનની અંદર બહુપક્ષીય અને પરસ્પર લાભદાયી સહયોગને વધુ ગાઢ બનાવવા માટેSCO સમિટની (PM modi in SCO summit) રાહ જોઈ રહ્યો છું. તેમણે કહ્યું કે, ઉઝબેકિસ્તાનની અધ્યક્ષતામાં વેપાર, અર્થવ્યવસ્થા, સંસ્કૃતિ અને પર્યટનના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ માટે ઘણા નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતા છે.
દ્વિપક્ષીય બેઠક વિશે માહિતી: મોદીએ કહ્યું કે, તેઓ રાષ્ટ્રપતિ મિર્ઝીયોયેવને મળવા આતુર છે. 'મને 2018માં મિર્ઝીયોયેવની ભારત મુલાકાત યાદ છે. તેમણે 2019માં 'વાઈબ્રન્ટ ગુજરાત સમિટ'માં (Vibrant Gujarat Summit) પણ અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી. આ સિવાય હું સમિટમાં ભાગ લેનારા કેટલાક અન્ય નેતાઓ સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરીશ. જોકે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પાકિસ્તાનના વડા પ્રધાન શરીફ સાથે તેમની સંભવિત દ્વિપક્ષીય બેઠક વિશે કોઈ પુષ્ટિ થઈ નથી. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ ગુરુવારે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે, જ્યારે વડા પ્રધાનની દ્વિપક્ષીય બેઠકોનો સમયપત્રક બહાર આવશે, ત્યારે અમે તમને સંપૂર્ણ માહિતી આપીશું.
SCOની સ્થાપના ક્યારે થઈ: આઠ દેશોના પ્રભાવશાળી જૂથની આ બેઠક એવા સમયે થઈ રહી છે, જ્યારે યુક્રેનમાં રશિયાના વિશેષ સૈન્ય અભિયાન અને તાઈવાનની ખાડીમાં ચીનના આક્રમક સૈન્ય વલણને કારણે આ ક્ષેત્રમાં ભૌગોલિક રાજકીય ઉથલપાથલ વધી રહી છે. SCOની સ્થાપના જૂન 2001માં શાંઘાઈમાં કરવામાં આવી હતી અને તેમાં આઠ સભ્યો છે, જેમાં છ સ્થાપક સભ્યો ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. ભારત અને પાકિસ્તાન વર્ષ 2017માં તેમાં સંપૂર્ણ સભ્ય તરીકે જોડાયા હતા.