- રાષ્ટ્રીય માનવ અધિકાર પંચનો 28 મો સ્થાપના દિવસ
- વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહનું સંબોધન
- મહાત્મા ગાંધી માનવ અધિકારો અને મૂલ્યોનું પ્રતીક સૂચવે છે
નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના 28 માં સ્થાપના દિવસના કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાને દેશવાસીઓને નવરાત્રિની શુભેચ્છા પાઠવી હતી.
દુનિયા વિશ્વયુદ્ધની હિંસામાં સળગી રહી છે
વડાપ્રધાને કહ્યું હતું કે, એક સમયે જ્યારે સમગ્ર દુનિયા વિશ્વયુદ્ધની હિંસામાં સળગી રહી છે, ત્યારે ભારતે સમગ્ર વિશ્વને 'અધિકારો અને અહિંસા' નો માર્ગ સૂચવ્યો હતો. માત્ર દેશ જ નહીં પરંતુ આખું વિશ્વ આપણા બાપુને માનવ અધિકારો અને માનવીય મૂલ્યોના પ્રતીક તરીકે જુએ છે. તેમણે કહ્યું કે, ભારત માટે માનવાધિકાર પ્રેરણાનો મહાન સ્ત્રોત, માનવાધિકાર મૂલ્યોનો મહાન સ્ત્રોત આઝાદી માટે આપણું આંદોલન, આપણો ઇતિહાસ છે. અમે સદીઓ સુધી અમારા અધિકારો માટે લડ્યા. એક રાષ્ટ્ર તરીકે, એક સમાજ તરીકે અન્યાય-અત્યાચારનો પ્રતિકાર કર્યો છે.
હાલ ગરીબને શૌચાલય મળ્યું : મોદી
વડાપ્રધાને કહ્યું, જે ગરીબોને એક સમયે ખુલ્લામાં શૌચ માટે જવાની ફરજ પડી હતી, ત્યારે હાલ ગરીબને શૌચાલય મળે છે, ત્યારે તેને પ્રતિષ્ઠા પણ મળે છે. જે ગરીબ ક્યારેય બેન્કની અંદર જવાની હિંમત કરી શકતો ન હતો, ત્યારે હાલ તે ગરીબનું જન ધન ખાતું ખોલવામાં આવે છે, ત્યારે તેને પ્રોત્સાહન મળે છે, તેની પ્રતિષ્ઠા વધે છે. તેમણે કહ્યું કે, દાયકાઓથી મુસ્લિમ મહિલાઓ ત્રિપલ તલાક વિરુદ્ધ કાયદાની માંગણી કરી રહી હતી. અમે ત્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવીને મુસ્લિમ મહિલાઓને નવા અધિકારો આપ્યા છે.