ગાંધીનગર :વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીની પરિસ્થિતિની સમીક્ષા કરવા સોમવારે રાજભવન, ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠકની (Pm Modi Morbi Review Meeting ) અધ્યક્ષતા કરી હતી. વડાપ્રધાનને મોરબીમાં દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના બની ત્યારથી ચાલી રહેલી બચાવ અને રાહત કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. દુર્ઘટનાને લગતા તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે.
અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય :પીએમઓના એક રીલીઝમાં જણાવવામાં આવ્યું છે કે, વડાપ્રધાને અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય મળે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહપ્રધાન હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્ય સચિવ અને ડીજીપી સહિત રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અન્ય ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી.