મુંબઈ:માનવ તસ્કરીની શંકામાં ફ્રાન્સમાં ચાર દિવસ સુધી અટકાયતમાં રાખવામાં આવેલું વિમાન આજે વહેલી સવારે મુંબઈ પહોંચી ગયું છે. વિમાનમાં સવાર 276 મુસાફરોમાંથી મોટાભાગના ભારતીયો છે. મુસાફરોને લઈને એક ચાર્ટર પ્લેન મંગળવારે મુંબઈ પહોંચ્યું હતું. રોમાનિયન કંપની દ્વારા સંચાલિત નિકારાગુઆ જનારી ફ્લાઇટને ફ્રાન્સ નજીકના વેટ્રી એરપોર્ટ પર ચાર દિવસ માટે રોકી દેવામાં આવી હતી.
276 મુસાફરો સાથે વિમાન મુંબઈ પરત ફર્યુ: આ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે એરબસ A-340 વિમાન સવારે 4 વાગ્યા પછી મુંબઈમાં લેન્ડ થયું હતું. તેણે સ્થાનિક સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે વેટ્રી એરપોર્ટ ઉપરથી ઉડાન ભરી હતી. 303 મુસાફરોને લઈને આ ચાર્ટર ફ્લાઇટ સંયુક્ત આરબ અમીરાતના દુબઈથી ઉપડી હતી અને માનવ તસ્કરીની શંકાના આધારે ગુરુવારે પેરિસથી 150 કિમી પૂર્વમાં વેટ્રી એરપોર્ટ પર અટકાવી દેવામમાં હતી. ફ્રેન્ચ સત્તાધીશોના જણાવ્યા અનુસાર, આ વિમાનમાં 276 મુસાફરો સવાર હતા. જ્યારે તે મુંબઈ માટે રવાના થયું ત્યારે બે સગીર સહિત 25 લોકોએ આશ્રય માટે અરજી કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તે હજુ પણ ફ્રાન્સની ધરતી પર છે. અન્ય બે લોકો જેમને ન્યાયાધીશ સમક્ષ લાવવામાં આવ્યા હતા, તેમને મુક્ત કરવામાં આવ્યા છે, અને તેઓને સહાયક સાક્ષીનો દરજ્જો આપવામાં આવ્યો હતો.