નવી દિલ્હીઃશનિવારે પેટ્રોલ અને ડીઝલના (Petrol Diesel Price) ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ઓઈલ કંપનીઓ કાચા માલના ભાવ વધારાનો બોજ ગ્રાહકો પર નાખી રહી છે, જેના કારણે છેલ્લા પાંચ દિવસમાં ચોથી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જારી કરાયેલા પ્રાઇસ નોટિફિકેશન મુજબ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત હવે 97.81 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 98.61 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 89.07 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 89.87 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો : સાડા ચાર મહિના સુધી સ્થિર રહ્યા બાદ 22 માર્ચે પેટ્રોલ અને ડીઝલના (Petrol Diesel Price) ભાવમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારથી તેમની કિંમતોમાં ત્રણ વખત પ્રતિ લિટર 80-80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ કુલ ચાર વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર કુલ 3.20નો વધારો કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ તે પહેલાં 4 નવેમ્બર, 2021થી પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતો સ્થિર રહી હતી. જો કે આ સમયગાળા દરમિયાન ક્રૂડ ઓઈલની કિંમત વધીને 30 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ હતી.
આ પણ વાંચો:Petrol Diesel Prices up : સતત બીજા દિવસે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા
પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓ નુકસાનની ભરપાઈ કરી રહી છે :10 માર્ચે વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત સાથે જ પેટ્રોલ અને ડીઝલના (Petrol Diesel Price) ભાવમાં વધારો થવાની સંભાવના હતી, પરંતુ પેટ્રોલિયમ કંપનીઓએ હજુ થોડા દિવસો રાહ જોઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હવે પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓ તેમના નુકસાનની ભરપાઈ કરી રહી છે. ભારત તેની તેલની જરૂરિયાતને પહોંચી વળવા માટે આયાત પર 85 ટકા નિર્ભર છે.
ગડકરી પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને યોગ્ય ઠેરવ્યો :કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ શુક્રવારે એક કાર્યક્રમમાં પેટ્રોલ અને ડીઝલના દરોમાં સતત વધારાને યોગ્ય ઠેરવ્યું છે. તેમણે છેલ્લા ચાર દિવસમાં ત્રણ વખત ઈંધણના ભાવ વધારાને યોગ્ય ઠેરવતા કહ્યું હતું કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં વધારો થયો છે અને સ્થિતિ ભારત સરકારના નિયંત્રણની બહાર છે.
2004થી ભારતને આત્મનિર્ભર બનાવવા પર ભાર આપી રહ્યા છે : પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, “ભારતમાં 80 ટકા તેલની આયાત કરવામાં આવે છે. રુસો-યુક્રેન યુદ્ધ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ વધી ગયા છે અને અમે તેના વિશે કંઈ કરી શકીએ તેમ નથી. પ્રધાને કહ્યું કે, અમે 2004થી ભારતને આત્મનિર્ભર બનાવવા પર ભાર આપી રહ્યા છીએ, 'જેનાથી આપણે સ્વદેશી ઉર્જા ઉત્પાદન ક્ષમતાઓ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા આપણું પોતાનું બળતણ બનાવવાની જરૂર છે.'