મુંબઇ : અપક્ષ સાંસદ મોહન ડેલકરના મોત મામલે સેલવાસ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સંદીપકુમાર સિંહે મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરી છે. સંદીપકુમાર સિંહની અરજીમાં મુંબઈ પોલીસે FIR રદ્દ કરવાની માગ કરી છે. મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખના દબાણ હેઠળ પોલીસે કેસ દાખલ કર્યો છે. જસ્ટિસ એસ. એસ. શિંદે અને ન્યાયાધીશ મનીષ પટેલની ખંડપીઠ આ અરજીની સુનાવણી કરશે. મુંબઈ પોલીસે દાખલ કરેલી FIRમાં મુંબઈ પોલીસે સંદીપકુમાર સિંહ દુષ્પ્રેરણનો આરોપ લગાવ્યો છે.
EXCLUSIVE: સાંસદ મોહન ડેલકર આત્મહત્યાની આરપાર, FIRમાં 9 સામે આરોપ
મોહન ડેલકરની આત્મહત્યા કેસમાં 9 માર્ચે મુંબઈના મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ છે, જેમાં નવ નામ નોંધવામાં આવ્યા હતા. જેમાં, સૌથી પહેલા દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલનું નામ છે. (2) સંદીપ સિંગ- સેલવાસ કલેક્ટર છે (3) શરદ દરાડે- ડીએસપી પણ તેમની ટ્રાન્સફર થઈ ગઈ છે (4) અપૂર્વ શર્મા- આરડીસી (5) મનસ્વી જૈન- ડીવાયએસપી (6) મનોજ પટેલ- પીઆઈ (7) રોહિત યાદવ- પીઆઈ (8) ફતેસિંહ ચૌહાણ- ભાજપના અગ્રણી નેતા (9) દિલીપ પટેલ- તલાટી સામે આરોપ છે. મોહન ડેલકરના પુત્ર અભિનવ ડેલકરે FIR નોંધાવી છે, તે મુજબ તેમણે ઘણી બધી બાબતો FIRમાં જણાવી છે. સૌપ્રથમ આરોપ મુકતા તેમણે લખાવ્યું છે કે, દાદરા નગર હવેલીનું પ્રશાસન તેમને પજવતું હતું. તેમનો તિરસ્કાર કરતું હતું. તેમનો હેતુ મારા પિતાની સાયલી ગામે આવેલી SSR કૉલેજ પર કબજો મેળવવાનો હતો. તેમને આગામી ચૂંટણી લડતા અટકાવવાના પણ હતા.
મારા પિતાએ ગેરવહીવટનો મુદ્દો ઉઠાવ્યો હતોઃ અભિનવ
FIR મુજબ અભિનવ ડેલકરે લખાવ્યું છે કે, મારા પિતાએ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના ગેરવહીવટનો મુદ્દો વારંવાર ઉઠાવ્યો હતો. સંસદમાં, વિવિધ અધિકારીઓ અને વિવિધ પદાધિકારીઓ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. મારા પિતા સામે ખોટા અને પાયાવિહોણા આરોપો લગાવ્યા હતા. મારા પિતા અનુસુચિત જાતીના હોવાથી તેમને જાહેર કાર્યક્રમો, ઈવેન્ટ્સમાં ઈરાદાપૂર્વક અપમાન કરવામાં આવતું હતું.
મુક્તિ દિવસે 66 વર્ષની પરંપરા તૂટી હતી
2 ઓગસ્ટએ દાદરા નગર હવેલીનો મુક્તિ દિવસ છે, તે દિવસે સિલવાસામાં મુક્તિ દિવસનો કાર્યક્રમ હતો, જેમાં મુખ્ય મહેમાનપદે સાંસદ હોય છે. કાર્યક્રમમાં એડમિનિસ્ટ્રેટર અને ત્યારબાદ સાંસદ દ્વારા સંબોધન કરાતું હોય છે. આ પરંપરા 66 વર્ષથી ચાલે છે. પરંતુ 2 ઓગસ્ટ, 2020માં કલેકટર પોતે મુખ્ય અતિથિ બન્યા, અને તેમણે ભાષણ આપ્યું. મારા પિતાનું નામ આ કાર્યક્રમમાંથી દૂર કરવામાં આવ્યું હતું. મારા પિતાએ લોકસભા વિશેષાધિકાર સમિતિ અને લોકસભા અધ્યક્ષને ફરિયાદ નોંધાવી હતી.
2 સપ્ટેમ્બર, 2020ના રોજ નિવાસી નાયબ કલેકટર અપૂર્વ શર્માએ તેમના પત્રમાં મારા પિતાનો અપમાનજનક રીતે ઉલ્લેખ કર્યો હતો. બીજા પણ અનેક કાર્યક્રમોની સુચીમાંથી મારા પિતાનું નામ રદ કરાતું હતું. તેમને ભારે અપમાન અને તિરસ્કારનો સામનો કરવો પડ્યો હતો.
જૂના કેસની ફરીથી તપાસ શરૂ કરાઈ
પોલીસ અધિક્ષક શરદ દરાડેના આદેશથી ઈન્સ્પેકટર મનોજ પટેલે મારા પિતા વિરુદ્ધ સિલવાસા પોલીસ સ્ટેશનમાં જૂના કેસમાં ફરીથી તપાસ શરૂ કરી હતી. મારા પિતાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવામાં પ્રશાસક દ્વારા કાંઈ બાકી રાખવામાં આવ્યું નથી. 2019ની લોકસભાની ચૂંટણીમાં ફતેસિંહ ચૌહાણે મારા પિતા પર ખોટા અને ગંભીર આક્ષેપો કર્યા હતા અને તેને સોશિયલ મીડિયામાં ફેલાવ્યા હતા. જાણી જોઈને તેમને પરેશાન કરાયા હતા. મારા પિતાએ તેમને મુંબઈના વકીલ પાસેથી આબરૂ ઉછાળવા સંદર્ભે નોટિસ મોકલી હતી.