- ધાર્મિક અને ચેરિટેબલ સંસ્થાઓ માટે એક સમાન નિયમો બનાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી
- હિંદુ, શીખ, બૌદ્ધ અને જૈનના ધાર્મિક સ્થળોને રાજ્ય સરકારો નિંયંત્રિત કરે છે
- ધાર્મિક સ્થળોનો મેનેજમેન્ટ ભ્રષ્ટ રાજ્ય અને અધિકારીઓ દ્વારા કરવામાં આવતું હોવાનો આક્ષેપ
- રાજ્યો હિંદુ, બૌદ્ધ, જૈન, શીખ ધાર્મિક સ્થળોનું ધન હડપતા હોવાનો આરોપ
નવી દિલ્હી: ભાજપના સભ્ય અને એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમણે દલીલ કરી છે કે ચેરિટેબલ એન્ડોમેન્ટ એક્ટ 1890 મનસ્વી, અતાર્કિક અને કલમ 14, 15 અને 26ની વિરુદ્ધ છે. કારણ કે તે મસ્જિદો અને ચર્ચોની આર્થિક અને સંચાલકીય પ્રવૃત્તિઓને પ્રતિબંધિત કરતું નથી. અરજીમાં એ જાહેરાત કરવાની માંગ કરવામાં આવી છે કે હિંદુઓ, જૈનો, બૌદ્ધો અને શીખોને મુસલમાનો અને ઈસાઇઓની માફક ધાર્મિક સંપત્તિઓની માલિકી, સંપાદન અને વહીવટના સમાન અધિકારો છે અને રાજ્ય તેને ઘટાડી શકતું નથી.
રાજ્ય સરકારો ધાર્મિક માળખાને નિયંત્રિત કરે છે
અરજદારનું કહેવું છે કે હિંદુઓ, શીખો, જૈનો અને બૌદ્ધોની સમસ્યા ઘણી મોટી છે, કેમકે રાજ્ય સરકારો તેમના ધાર્મિક માળખાને નિયંત્રિત કરે છે, જેનાથી મંદિરો અને ગુરુદ્વારોની સ્થિતિ દયનીય થઈ જાય છે, કેમકે આનું મેનેજમેન્ટ ભ્રષ્ટ રાજ્ય અને અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. આ ગેરવહીવટ મંદિર વહીવટના તમામ પાસાઓ સુધી ફેલાયેલું છે અને તિરુપતિ ગુરુવયુર, સિદ્ધિવિનાયક, વૈષ્ણો દેવી જેવા સમૃદ્ધ મંદિરોનો ઉપયોગ સત્તારૂઢ રાજકીય પક્ષોના ખિસ્સા ભરવા માટે થાય છે. કેરળ, તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં જે થઈ રહ્યું છે તેને દિવસના અજવાળામાં લૂંટ તરીકે વર્ણવી શકાય છે.
રાજ્યો જ મંદિરોનું ધન હડપી રહ્યા છે
કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કરતા અરજીમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે મંદિરની દેખરેખની વાત આવે છે ત્યારે રાજ્ય સંપૂર્ણ રીતે અશક્ત થઈ જાય છે. હિંદુ, જૈન, બૌદ્ધ અને શીખો પર મુસલમાનો તેમજ ઈસાઇઓથી વિપરીત ગરીબોની પૂરતી સામાજિક સેવા ન કરવાનો આરોપ લગાવવામાં આવે છે, પરંતુ તેઓ કેવી રીતે કરી શકે? જ્યારે રાજ્યો જ મંદિરના ધનને હડપી રહ્યા છે અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ હસ્તક્ષેપ કરે છે. મસ્જિદ અને ચર્ચ હસ્તક્ષેપથી મુક્ત છે અને સ્કૂલ ચલાવે છે. લાભના આધાર પર હૉસ્પિટલ પણ ચલાવે છે જ્યાંથી આવક પણ હોય છે.