નવી દિલ્હી : સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાની વિનંતી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ પિટિશનમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, SEBI ને ગૌતમ અદાણીની આગેવાની હેઠળના જૂથ દ્વારા શેરના ભાવની હેરાફેરીના આરોપોમાં તપાસ પૂર્ણ કરવા અને તેનો રિપોર્ટ સબમિટ કરવાની સમયમર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે.
અરજદાર વિશાલ તિવારી દ્વારા દાખલ કરવામાં આવેલ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, SEBI ને આપવામાં આવેલી સમયમર્યાદા છતાં તે કોર્ટના નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે. તેણે કોર્ટના નિર્દેશ મુજબ અંતિમ તારણ અને રિપોર્ટ સબમિટ કર્યો નથી. સુપ્રીમ કોર્ટે 17 મેના રોજ SEBI ને અદાણીની આગેવાની હેઠળના જૂથ દ્વારા શેરના ભાવમાં હેરાફેરીના આરોપોની તપાસ પૂર્ણ કરવા માટે 14 ઓગસ્ટ, 2023 સુધીનો સમય આપ્યો હતો.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે 25 ઓગસ્ટ, 2023 ના રોજ SEBI એ પોતાની તપાસ અંગે સ્ટેટસ રિપોર્ટ ફાઈલ કર્યો હતો. રિપોર્ટમાં જણાવ્યું હતું કે, તેણે કુલ 24 તપાસ કરી હતી જેમાંથી 22 તપાસના અંતિમ પરિણામો આવી ગયા છે અને બે વચગાળાના છે. અરજદાર વિશાલ તિવારીએ તેમની અરજીમાં જણાવ્યું હતું કે, કંપનીઓના આચરણ અને વ્યવહાર પર દેખરેખ રાખવા માટે એક મજબૂત મિકેનિઝમની પણ જરૂર છે. ભલે તેઓ નિયમનકારી સત્તા દ્વારા નિર્ધારિત જરૂરી નિયમોનું પાલન કરી રહ્યા હોય.
અરજીમાં અદાણી ગ્રૂપ અને અપારદર્શી મોરેશિયસ ફંડના માધ્યમથી તેના કથિત રોકાણ સામે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP)ના તાજેતરના રિપોર્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે જાહેર હિતની અરજીનું પ્રાથમિક ધ્યાન ભવિષ્યમાં નિયમનકારી પ્રણાલીને મજબૂત કરવા માટે કયા પગલાં લેવામાં આવે જેથી રોકાણકારોને સુરક્ષિત કરી શકાય અને શેરબજારમાં તેમનું રોકાણ સુરક્ષિત રહે તેના પર હતું.