નવી દિલ્હીઃ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ને શુક્રવારે સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. કોર્ટે BRSની ચૂંટણી ચિન્હની અરજી ફગાવી દીધી છે. તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં અન્ય કોઈ પક્ષને કાર જેવું બીજું ચિહ્ન તેના ચૂંટણી પ્રતીક તરીકે ન આપવા ચૂંટણી પંચને નિર્દેશ માંગતી બીઆરએસની અરજીને ધ્યાનમાં લેવાનો કોર્ટે ઇનકાર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી: બીઆરએસના વકીલે જસ્ટિસ અભય એસ. ઓકા અને ન્યાયાધીશ પંકજ મિથલની બેંચ સમક્ષ દલીલ કરી હતી કે રોડ રોલર જેવા ચૂંટણી ચિહ્નો કોઈપણ ઉમેદવારને આપવા જોઈએ નહીં કારણ કે તે તેમના પક્ષના ચૂંટણી પ્રતીક કાર વિશે ભ્રમણા પેદા કરશે. તેના પર ખંડપીઠે કહ્યું કે ભારતીય મતદાતા એટલા બુદ્ધિશાળી છે કે તેઓ કાર અને રોડ રોલર વચ્ચે તફાવત કરી શકે છે. દલીલો સાંભળ્યા બાદ બેન્ચે અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. એડવોકેટ વિનોદ કુમાર તિવારી દ્વારા દાખલ કરવામાં આવેલી BRSની અરજીમાં કહેવામાં આવ્યું છે કે ભારતના ચૂંટણી પંચે અન્ય કોઈ પક્ષના ચૂંટણી ચિન્હમાં BRSની કાર જેવું જ પ્રતીક ફાળવ્યું છે, જે ગેરમાર્ગે દોરનારું છે. તેમજ અરજદારે કરેલી અરજીનો અસ્વીકાર પક્ષપાતી, મનસ્વી અને ભેદભાવપૂર્ણ છે. આ કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે.