- નાસિકમાં આવેલી ઝાકિર હુસૈન હોસ્પિટલની ઘટના
- ઓક્સિજન ટેન્કમાં લિકેજ થતા 22 દર્દીઓના મોત
- કેટલાક દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
મુંબઈ: નાસિકની ઝાકિર હુસૈન હોસ્પિટલમાં લગાવવામાં આવેલા ઓક્સિજન ટેન્કમાં લિકેજ સર્જાતા નાસભાગ મચી ગઈ છે. ઓક્સિજન લિકેજથી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા 22 દર્દીઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. સવારે 11:30 કલાકે ઓક્સિજન લિકેજ શરૂ થયુ હતું. જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો સ્થળ પર પહોંચ્યા હતા. અંદાજે 3 કલાકની જહેમત બાદ પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. જોકે, પ્રભાવિત થયેલા કેટલાક દર્દીઓને ઓક્સિજન બેડ પરથી વેન્ટિલેટર બેડ પર, તો કેટલાકને અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:વડનગરમાં 2 કરોડના ખર્ચે 1,500 કિલો ઓક્સિજન ઉત્પન્ન કરતો પ્લાન્ટ કરાયો શરૂ
વડાપ્રધાન અને ગૃહ પ્રધાને શોક વ્યક્ત કર્યો
આ ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે,"નાસિકના એક હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્કમાં લિકેજના કારણે થયેલો હાદસો હ્રદય કંપાવી દે તેવો છે. તેના કારણે થયેલા જાનમાલના નુક્સાનથી હું દુઃખી છું. આ દુઃખની ઘડીમાં પરિવારો પ્રત્યે સંવેદના." જ્યારે ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, "નાસિકના એક હોસ્પિટલમાં ઓક્સિજન લિકેજથી સર્જાયેલી દુર્ઘટનાના સમાચાર સાંભળીને વ્યથિત છું. આ હાદસામાં જે લોકોએ પોતાના પરિજનો ખોયા છે, તેમના પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરુ છું. અન્ય દર્દીઓની કુશળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરૂ છું."
નાસિકની ઝાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સિજન લિકેજ થતા 22 દર્દીઓના મોત આ પણ વાંચો:સુરતમાં કોરોનાની સ્થિતિ ભયંકર : દરરોજ 4000 થી લઇ 6000 ઓક્સિજન સિલિન્ડરની ડિમાન્ડ
લિકેજ પર કાબૂ મેળવી લેવાયો: નાસિક કલેક્ટર
આ ઘટના અંગે નાસિકના કલેક્ટર સૂરજ મંધારેએ જણાવ્યું હતું કે, ઝાકિર હુસૈન હોસ્પિટલના ઓક્સિજન ટેન્કમાં લિકેજ હતું. જે દર્દીઓ વેન્ટિલેટર પર હતા, તેમને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. લિકેજ ઠીક થયું તે સમય દરમિયાન ઘણા દર્દીઓને ઓક્સિજનની અછતનો સામનો કરવો પડ્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, હોસ્પિટલમાં એક ખાનગી કંપનીનું ઓક્સિજન ટેન્કર અને કેટલાક ટેક્નિશિયનોને બોલાવવામાં આવ્યા હતા. જેમણે લિકેજ પર કાબૂ મેળવ્યો હતો.