ન્યૂઝ ડેસ્ક: ભારતે 18 ફેબ્રુઆરી, 2005ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં અત્યંત જીવાણુગ્રસ્ત એવા એવિયન ઇન્ફ્લુએન્ઝા (H5N1) ના રોગચાળાનો અનુભવ કર્યો હતો. ત્યારબાદ માર્ચ-2006માં બીજીવાર મધ્ય પ્રદેશમાં તે રોગચાળાએ માથુ ઉંચક્યુ હતું.
તે રોગચાળાને નાથવા અને તેને આગળ વધતો રોકવા હાથ ધરાયેલા ઓપરેશન દરમ્યાન કુલ 10.44 લાખ પક્ષીઓની કતલ કરવામાં આવી હતી, અને ઓગસ્ટ 2006માં દેશને તે રોગચાળામાંથી આઝાદી મળી હતી.
જુલાઇ-2007માં મણિપુરના પૂર્વ ઇમ્ફાલ જિલ્લાનાં ચિંગમિરોંગ ગામ સ્થિત એક નાના મરઘા ઉછેર કેન્દ્રમાં ત્રીજીવાર એવિયન ઇન્ફ્લુએન્ઝાના રોગચાળાએ દેખા દીધી હતી. જો કે તે રોગચાળો આસપાસના વિસ્તારમાં ફેલાય તે પહેલાં જ તેને ત્વરિત ગતિએ અંકુશમાં લઇ લેવાયો હતો. કુલ 3.39 લાખ પક્ષીઓની સંખ્યા ઘટાડી દેવામાં આવી હતી અને 7 નવેમ્બર-2007ના રોજ ભારતને તેમાંથી મુક્તિ મળી હતી.
15-01-2008ના રોજ ચોથી વાર પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુર અને વીરભૂમ જિલ્લામાં એવિયન ઇન્ફ્લુએન્ઝાનો રોગચાળો દેશમાં દેખાયો હતો, અને બાદમાં આ રોગચાળો આ રાજ્યના બાકીના 13 જિલ્લાઓમાં પ્રસરી ગયો હતો જે જિલ્લાઓમાં આ રોગચાળાએ ભરડો લીધો હતો તેમાં મુર્શિદાબાદ, બર્દવાન, દક્ષિણ 24-પરગણાં, નાદિયા, હુગલી, હાવરા, કુચબિહાર, માલ્દા, પશ્ચિમ મિદનાપુર, બાંકુરા, જલપાઇગુડી, પુરૂલિયા અને દાર્જિલિંગનો સમાવેશ થતો હતો. આ રોગચાળાએ પશ્ચિમ બંગાળના 15 જિલ્લા, 2 મ્યુનિસિપલ કોર્પોરેશન અને 55 બ્લોકને ભરડામં લીધા હતા.
તે રોગચાળાને નાથવા અને આગળ વધતો અટકાવવા હાથ ધરાયેલા ઓપરેશનમાં કુલ 42.62 લાખ પક્ષીઓની સંખ્યા ઓછી કરવી પડી હતી.
7 એપ્રિલ-2008ના રોજ ત્રિપુરાના ઢલાઇ જિલ્લાના સાલેમા બ્લોકમાં પાંચમી વાર એવિયન ઇન્ફ્લુએન્ઝાએ માથુ ઉંચક્યુ હતું, અને બાદમાં આ રોગચાળો પશ્ચિમ ત્રિપુરા જિલ્લાના મોહનપુર અને બિશાલગઢ એમ બે વધુ બ્લોકમાં પ્રસરી ગયો હતો. તે સમયે કુલ 19 લાખ પક્ષીઓની સંખ્યા ઓછી કરવી પડી હતી.
આ રોગચાળાને નાથવા અને આગળ વધતો રોકવા હાથ ધરાયેલી સફળ કામગીરી બાદ ભારતે 4 નવેમ્બર-2008ના રોજ આ રોગચાળામાંથી આઝાદી મળી હોવાની જાહેરાત કરી હતી.
જો કે એક જ મહિનાના ટૂંકા સમયગાળા બાદ 27-11-2008ના રોજ આસામના કામરૂપ જિલ્લામાં એવિયન ઇન્ફ્લુએન્ઝાનો છઠ્ઠો રાઉન્ડ જોવા મળ્યો હતો, અને બાદમાં તે રાજ્યના બાકીના આઠ જિલ્લાઓમાં આ રોગચાળાએ પગપેસારો કર્યો હતો જેમાં કામરૂપ (મેટ્રો), બારપેટા, નલબારી, ચિરાંગ, દીબ્રુગઢ, બોગાંઇગાંવ, નાગાંવ અને બક્સા જેવા જિલ્લાઓનો સમાવેશ થતો હતો. આ રોગચાળાએ આસામના 9 જિલ્લા, 2 મ્યુનિસિપાલિટી અને 13 બ્લોકને પોતાના ભરડામાં લીધા હતા. કુલ 5.09 લાખ જેટલા પક્ષીઓની સંખ્યા ઘટાડવાની ફરજ પડી હતી.
15 ડિસેમ્બર, 2008ના રોજ એવિયન ઇન્ફ્લુએન્ઝાએ ફરી એક વાર (સાતમો રાઉન્ડ) પશ્ચિમ બંગાળના માલ્દા જિલ્લાના ઇંગ્લિશ બઝાર બ્લોકમાં માથુ ઉંચક્યું હતું, અને બાદમાં તેણે વધારાના 9 બ્લોક અને 5 જિલ્લાઓમાં પોતાનો પગપેસારો કર્યો હતો. કુલ 2.01 લાખ જેટલા પક્ષીઓની સંખ્યા ઘટાડવામાં આવી હતી.
આઠમીવાર સિક્કીમ રાજ્યના દક્ષિણ સિક્કીમ જિલ્લામાં આવેલા રાવોંગ્લા મ્યુનિસિપલ વિસ્તારમાં એવિયન ઇન્ફ્લુએન્ઝાએ પોતાનું માથુ ઉંચક્યું હતું, જેના પગલે 4 હજાર પક્ષીઓની સંખ્યા ઓછી કરવામાં આવી હતી. રોગચાળાને નાથવા અને આગળ વધતો રોકવા સફળતાપૂર્વકની કામગીરી હાથ ધરાઇ હતી અને 27 ઓક્ટોબર, 2009ના રોજ દેશ તે રોગચાળાથી મુક્ત થયો હોવાની જાહેરાત કરાઇ હતી.
14-01-2010ના રોજ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના ખારગ્રામ બ્લોકમાં એવિયન ઇન્ફ્લુએન્ઝા નવમી વાર દેખાયો હતો, જે બાદમાં 30 જાન્યુઆરી, 2010ના રોજ પડોશમાં આવેલાં બ્લોકમાં (બરવાન) પણ ફેલાયો હતો. કુલ 1.56 લાખ પક્ષીઓની સંખ્યા ઓછી કરાઇ હતી અને અંદાજે 0.18 લાખ જેટલા ઇંડાનો પણ નાશ કરાયો હતો. આ રોગચાળાને નાથવા અને આગળ વધતો રોકવા હાથ ધરાયેલી સફળતાપૂર્વકની કામગીરી બાદ 2 જૂન, 2010ના રોજ દેશ આ રોગચાળામાંથી આઝાદ થયો હોવાની જાહેરાત કરાઇ હતી.
ત્યારબાદ 17-02-2011ના રોજ અગરતલાના આર.કે. નગર સ્થિત સરકારી બતક ફાર્મમાં અને 06-03-2011ના રોજ અગરતલાના ગાંધીનગર વિસ્તારમાં આવેલાં સરકારી મરઘા ઉછેર કેન્દ્રમાં એમ બે જગ્યાએ એવિયન ઇન્ફ્લુએન્ઝાનો રોગચાળો દેખાયો હતો. અલબત્ત આ રોગચાળો આ બે ફાર્મને જ અસર કરવા પૂરતો મર્યાદિત રહ્યો હતો. આ રોગચાળાને નાબૂદ કરવા હાથ ધરાયેલા ઓપરેશન દરમ્યાન 0.21 લાખ પક્ષીઓની સંખ્યા ઓછી કરાઇ હતી. આ રોગચાળાને નાથવા અને આગળ વધતો રોકવા હાથ ધરાયેલી સફળતાપૂર્વકની કામગીરી બાદ 4 જુલાઇ, 2011ના રોજ દેશ આ રોગચાળામાંથી આઝાદ થયો હોવાની જાહેરાત કરાઇ હતી.
8 સપ્ટેમ્બર, 2011ના રોજ આસામના ધુબરી જિલ્લાના આગોમોની બ્લોકમાં આવેલાં ભામોનડાંગા વિભાગ-1 ગામમાં ફરીથી આ રોગચાળો દેખાયો હતો, જેને સમયસર અંકુશમાં લેવાઇ ગયો હતો અને આગળ વધતો અટકાવી દેવાયો હતો. 19 સપ્ટેમ્બર, 2011ના રોજ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં આવેલાં તેહત્તા બ્લોક સ્થિત નાન્શાટોલા અને પુટિમારી એમ બે ગામમાં આ રોગચાળો થયો હોવાનું નોંધાયું હતું. આ રોગચાળાને અંકુશમાં લેવા અને આગળ વધતો રોકવા હાથ ધરાયેલા ઓપરેશન દરમ્યાન 48581 જેટલા પક્ષીઓની સંખ્યા ઘટાડી દેવાઇ હતી. 4 જાન્યુઆરી, 2012ના રોજ દેશ આ રોગચાળામાંથી મુક્ત થયો હોવાની જાહેરાત કરાઇ હતી.
2012ની સાલ દરમ્યાન ઓરિસ્સા (ત્રણ રોગચાળા), મેઘાલય (એક) અને ત્રિપુરા (ત્રણ) જેવા રાજ્યોમાં આ રોગચાળો ફાટી નીકળ્યો હોવાનુ નોંધાયું હતું. 25 ઓક્ટોબર, 2012ના રોજ બેંગ્લોરના હેસ્સારઘટ્ટા સ્થિત સીપીડીઓ ખાતે વધુ એક રોગચાળો નોંધાયો હતો. આ રોગચાળાને અંકુશમાં લેવા અને તેને આગળ વધતો રોકવા હાથ ધરાયેલા ઓપરેશન દરમ્યાન ઓરિસ્સામાં 0.81 લાખ, મેઘાલયમાં 0.07 લાખ, ત્રિપુરામાં 0.13 લાખ અને કર્ણાટકમાં 0.33 લાખ પક્ષીઓ ઓછા કરાયા હતા.
2013ની સાલ દરમ્યાન 8 માર્ચ, 2013ના રોજ બિહાર રાજ્યના પૂર્નિયા જિલ્લાના મધુબની સ્થિત લંકા ટોલા ખાતે આવેલા પ્રાદેશિક મરઘા ઉછેર કેન્દ્રમાંથી એવિયન ઇન્ફ્લુએન્ઝાનો રોગચાળો નોંધાયો હતો. આ રોગચાળાને નાથવા અને આગળ વધતો રોકવા હાથ ધરાયેલી કામગીરી દરમ્યાન 0.06 લાખ પક્ષીઓની સંખ્યા ઓછી કરાઇ હતી અને વળતર પેટે રૂ. 2.06 લાખ રૂપિયાનું વિતરણ કરાયં હતું. 5 ઓગસ્ટ, 2014ના રોજ છત્તીસગઢના દુર્ગ અને જગદલપુર ખાતે વધુ એક રોગચાળો નોંધાયો હતો, જે દરમ્યાન 0.31 લાખ પક્ષીઓની સંખ્યા ઓછી કરવી પડી હતી અને 11-11-2013ના રોજ દેશ આ રોગચાળાથી મુક્ત થયો હોવાની જાહેરાત કરાઇ હતી.
2014ની સાલ દરમ્યાન 13 ઓગસ્ટ, 2013થી 14 મહિનાના ગેપ બાદ ફરી એકવાર નવેમ્બર-ડિસેમ્બર 2014માં કેરળમાં આ રોગચાળાના છ મુખ્ય કેન્દ્રો નોંધાયા હતા, અને 2.7 લાખ પક્ષીઓ ઓછા કરાયા હતા. 18 ડિસેમ્બર, 2014 દરમ્યાન ચંદીગઢના સુખના લેક ખાતે બતકોમાં આ રોગચાળો જોવા મળ્યો હતો અને આ રોગચાળાને અંકુશમાં લેવા હાથ ધરાયેલા ઓપરેશન દરમ્યાન 110 બતકોની કતલ કરવામાં આવી હતી.
25-01-2015ના રોજ કેરળના કોલ્લમ જિલ્લાના કુરીપુઝા ખાતે આવેલા પ્રાદેશિક મરઘા ઉછેર કેન્દ્રમાં ફરીથી આ રોગચાળો જોવા મળ્યો હતો.
13 માર્ચ, 2015ના રોજ ઉત્તર પ્રદેશના અમેથી જિલ્લામાં ફરી એકવાર એવિયન ઇન્ફ્લુએન્ઝાનો રોગચાળો દેખાયો હતો. આ રોગચાળાને અંકુશમાં લેવા અને તેને આગળ વધતો રોકવા હાથ ધરાયેલા ઓપરેશન દરમ્યાન 844 પક્ષીઓની કતલ કરવામાં આવી હતી.
13-04-2015ના રોજ તેલંગાણાના હયાતનગર જિલ્લામાં ફરીથી આ રોગચાળાએ માથુ ઉંચક્યું હતું જે દરમ્યાન હાથ ધરાયેલા ઓપરેશનમાં 1.60 લાખ પક્ષીઓની સંખ્યા ઓછી કરી દેવામાં આવી હતી.
18-04-2015ના રોજ મણિપુર રાજ્યના ઇમ્ફાલ ખાતે વધુ એકવાર આ રોચાળો ફાટી નીકળ્યો હતો. આ રોગચાળાને અંકુશમાં લેવા અને તેને આગળ વધતો રોકવા હાથ ધરાયેલા ઓપરેશન દરમ્યાન 21 હજાર પક્ષીઓની સંખ્યા કતલ કરીને ઓછી કરી દેવામાં આવી હતી.
16 જાન્યુઆરી, 2016ના દિવસે, અર્થાત ત્રિપુરામાં બર્ડ ફ્લુનો રોગચાળો ફાટી નીકળ્યા બાદ રાજ્યના પશ્ચિમ ભાગમાં 8000 જેટલાં મરઘા અને બતકની સામુહિક કતલ કરવામાં આવી હતી.
ઓક્ટોબર-2016માં દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં રંગબેરંગી સ્ટોર્ક (મોરૈયો), બતક અને પેલિકન સહિત 12 જેટલા જળચર પક્ષીઓ એચ-5 એવિયન ઇન્ફ્લુએન્ઝાનો ભોગ બન્યા હતા. સ્થિતિ ઉપર નિરિક્ષણ રાખવા સેન્ટ્રલ ઝૂ ઓથઓરિટિની આખી એક ટીમને પ્રાણી સંગ્રહાલયના પરિસરમાં ખડકી દેવામાં આવી હતી. દિલ્હી સરકારે આરોગ્યને લગતા 11 જેટલા સલાહ સૂચનોની આખી એક યાદી જાહેર કરી હતી જેમાં પક્ષીઓના મળ-મૂત્ર અને હાડપિંજરના સીધા સંપર્કમાં આવવાનું ટાળવાનો, ફક્ત સંપૂર્ણ રીતે રાંધેલી મરઘી જ આરોગવાનો, અને રાંધ્યા વિનાની કે અડધી રાંધેલી મરઘી નહીં ખાવાનો, અને અડધા બાફેલા કે અડધા તળેલા ઇંડા નહીં ખાવાનો અનુરોધ કરાયો હતો.
ડિસેમ્બર-2016માં ચાર કાગડા મૃત હાલતમમાં મળી આવતા અને અન્ય ત્રણ મૃત્યુ પામેલાં મરઘા-બતકાંને ભારે ચેપી અને ખતરનાક ગણાતા H5N1 વાઇરસનો ટેસ્ટ પોઝિટિવ આવતાં ઓરિસ્સા સરકારે 2500 જેટલાં મરઘાં અને બતકોની કતલ કરી નાંખવાનો આદેશ આપ્યો હતો.
30 ડિસેમ્બર-2017ના રોજકેન્દ્રિય કૃષિ મંત્રાલયેબેંગાલુરુના દશારાહલ્લી ગામે એવિયન ઇન્ફ્લુએન્ઝા, જે બર્ડ ફ્લુ તરીકે પણ જાણીતો છે, નો રોગચાળો ફાટી નીકળ્યો હોવાનો એકરાર કર્યો હતો. મૃતક પક્ષીઓમાં એવિયન ઇન્ફ્લુએન્ઝા નામનો વાઇરસ મળી આવતાં 900 જેટલા એક વિશેષ પ્રજાતિના મરઘાંની કતલ કરી નાંખવામાં આવી હતી.
ડિસેમ્બર-2019માંછત્તીસગઢના કોરિયા જિલ્લામાં સરકાર દ્વારા સંચાલિત મરઘાં ઉછેર કેન્દ્રમાં બર્ડ-ફ્લુનો રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું જણાતાં સત્તાવાળાઓએ 15000 પક્ષીઓની સંખ્યા ઘટાડી દીધી હતી, અને અસરગ્રસ્ત વિસ્તારના 10 કિલોમિટરની ત્રિજ્યામાં આવેલાં પોલ્ટ્રિ ફાર્મનાં પક્ષીઓ ઉપર ચાંપતી દેખરેખ વધારી દેવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ વૈકુંઠપુરા નગરમાં આવેલાં મરઘાં ઉછેર કેન્દ્રની પક્ષીઓમાંભારે ચેપી અને ખતરનાક ગણાતા H5N1 વાઇરસ મળી આવતાં 30,000 ઇંડાનો નાશ કરાયો હતો અને 15426 જેટલા મરઘાં અને તેતરનો નાશ કરાયો હતો.