પંજાબ : પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન પ્રકાશ સિંહ બાદલે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. પ્રકાશ સિંહ બાદલ તેમના નમ્ર સ્વભાવ માટે જાણીતા છે. તેમનું અસલી નામ પ્રકાશ સિંહ 'ઢિલ્લોન' હતું, પરંતુ સરપંચની ચૂંટણી જીત્યા બાદ તેમણે પોતાનું નામ બદલીને પ્રકાશ સિંહ 'બાદલ' રાખ્યું હતું. 'બાદલ' એ ગામનું નામ છે જ્યાં તેમણે તેમની રાજકીય કારકિર્દીની પ્રથમ ચૂંટણી જીતી હતી. તેમની રાજકીય સફર 75 વર્ષ સુધી ચાલી અને તમને જાણીને નવાઈ લાગશે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેતા હતા.
20 વર્ષની ઉંમરે શરૂ થઈ રાજકીય સફર : પ્રકાશ સિંહે 20 વર્ષની ઉંમરે તેમની રાજકીય સફળતાની શરૂઆત કરી હતી, જ્યાં તેમણે બાદલ ગામમાં પ્રથમ વખત સરપંચની ચૂંટણી લડી હતી. તેમણે સૌપ્રથમ 1957થી 2017 સુધી 10 ટર્મ માટે પંજાબ વિધાનસભામાં લાંબીનું પ્રતિનિધિત્વ કર્યું હતું, પરંતુ 94 વર્ષની વયે છેલ્લી ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. પ્રકાશ સિંહ બાદલ એક એવા નેતા તરીકે ઓળખાય છે જેમણે પોતાની રાજકીય સફર નાની ઉંમરે શરૂ કરી હતી. તેઓ માર્ચ 1970માં પહેલીવાર પંજાબના મુખ્યપ્રધાન બન્યા હતા. તે સમયે સૌથી યુવા સીએમ બનેલા પ્રકાશ સિંહની ઉંમર ત્યારે માત્ર 43 વર્ષની હતી. 94 વર્ષની વયે, તેમણે છેલ્લી વખત 2022 વિધાનસભા ચૂંટણી લડી હતી, જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર તેમના જીવનમાં ખાસ હતી કારણ કે આ તેમની રાજકીય કારકિર્દીની પ્રથમ અને છેલ્લી હાર હતી.
પ્રકાશ સિંહ બાદલની આ ઈચ્છા હતી: પ્રકાશ સિંહ બાદલનો જન્મ મુક્તસરના નાના ગામ અબુલ ખુરાનામાં જાટ શીખ પરિવારમાં થયો હતો. પંજાબના રાજકારણના સૌથી મોટા ખેલાડી પ્રકાશ સિંહ બાદલ ડોક્ટર બનવા માંગતા હતા. તેણે એક વર્ષ સુધી ડોક્ટરનો અભ્યાસ પણ કર્યો. તેમણે લાહોરની મનોહર લાલ મેમોરિયલ હાઈસ્કૂલમાંથી દસમું ધોરણ કર્યું હતું. તેમણે શીખ કોલેજ, લાહોરમાંથી કોલેજ શિક્ષણની શરૂઆત કરી અને બાદમાં ફોરમેન ક્રિશ્ચિયન કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમના લગ્ન 1959માં સુરિન્દર કૌર સાથે થયા હતા. તેમના પરિવારમાં પુત્ર સુખબીર સિંહ બાદલ અને પુત્રી પ્રનીત કૌર છે. પુત્રવધૂ હરસિમરત કૌર બાદલ પણ સાંસદ છે. પ્રકાશ સિંહ બાદલની પત્નીનું 2011માં કેન્સરને કારણે અવસાન થયું હતું.
પત્નીના મૃત્યુ પછી શરૂ કરવામાં આવ્યું અભિયાન : 24 મે 2011ના રોજ, પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પ્રકાશ સિંહ બાદલની પત્ની સુરિન્દર કૌર બાદલનું કેન્સર સાથે લાંબી લડાઈ પછી અવસાન થયું હતું. ત્યારે સુરિન્દર કૌરની ઉંમર 72 વર્ષની હતી. તે ગળાના કેન્સરથી પીડિત હતી. પત્નીના અવસાન બાદ તત્કાલિન મુખ્યપ્રધાન પ્રકાશ સિંહ બાદલે કેન્સર સામે અભિયાન શરૂ કર્યું હતું. ઘરે-ઘરે જઈને કેન્સરના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. એટલું જ નહીં પ્રકાશ સિંહના પ્રયાસોને કારણે સરકારી હોસ્પિટલોમાં કેન્સરની સારવાર શક્ય બની છે. પ્રકાશ સિંહ બાદલ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ પણ શરૂ કરવામાં આવ્યું હતું, જેના દ્વારા કેન્સર પીડિતોને આર્થિક મદદ આપવામાં આવે છે.